આદિવાસી વિદ્યાર્થીઓને ભલે ને પૂરતા પ્રમાણમાં પોતાની પ્રતિભા બતાવવાનું પ્લેટફોર્મ નથી મળતાં પણ જ્યાં મોકો મળે છે ત્યાં પોતાનું પરચમ લહેરાવી દેતાં હોય છે. એનું એક તાજું ઉદાહરણ નર્મદા જિલ્લાની ફલક ચંદ્રકાંત વસાવા સમગ્ર ગુજરાતમાં સૌથી નાની વયની ગોલ્ડન ગર્લ બની તે છે.

Decision News ને મળેલી માહિતી મુજબ રાજપીપલાની વાત્સલ્ય સ્કૂલમાં ધો. 7 માં અભ્યાસ કરતી ફલક બાળપણથી જ ટ્રેમ્પોલિન જીમ્નાસ્ટિક સાથે સંકળાયેલી છે. ઇન્ડિવિડ્યુઅલ વુમન ટ્રેમ્પોલિન જીમ્નાસ્ટિક અં. 14 એજ ગૃપમાં છેલ્લા બે વર્ષમાં રાજ્યકક્ષાએ બે ગોલ્ડ મેડલ પણ જીત્યા છે. રાષ્ટ્રીય કક્ષાની ટ્રેમ્પોલિન જીમ્નાસ્ટિક સ્પર્ધામાં ગત વર્ષે સિલ્વર અને આ વર્ષે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો.

આ ઉપરાંત આ આદિવાસી પ્રતિભાવાન બાળકીએ વીતેલા વર્ષ 2023માં ડોમ્બિવલી ખાતે યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશીપમાં પણ ચોથા ક્રમે પસંદગી થઈ હતી. હાલમાં ફલક વસાવાની આ સિદ્ધિને લઇને આદિવાસી સમાજ ગૌરવ અનુભવી બાળકી પર અભિનંદન વર્ષા કરી રહ્યો છે.