ગુજરાત: આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી ઇન્ડિયા ગઠબંધન હેઠળ આગામી લોકસભા ચૂંટણી લડવા જઈ રહી છે. હાલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસ પાર્ટીની ભારત જોડો ન્યાય યાત્રા ચાલી રહી છે અને આ યાત્રા સાત માર્ચના રોજ ગુજરાત ખાતે પધારશે. આ યાત્રામાં જોડાવા માટે કોંગ્રેસ પાર્ટી તરફથી સમગ્ર આમ આદમી પાર્ટીને આમંત્રણ મળ્યું છે.
સમગ્રમાં આમ આદમી પાર્ટી વતી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીએ આ આમંત્રણને સહર્ષ સ્વીકાર્યું છે. 7 માર્ચના રોજ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ભાઈ ગઢવી સહિત પ્રદેશના આગેવાનો તથા જિલ્લા તાલુકાના મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ રાહુલ ગાંધીજીની ભારત ન્યાય યાત્રામાં જોડાશે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી અને કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ વચ્ચે વિસ્તારપૂર્વક એક ટેલિફોનિક ચર્ચા પણ થઈ છે. થોડા દિવસમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી સંયુક્ત રીતે એક પ્રેસ વાર્તાનું પણ આયોજન કરશે. કોંગ્રેસ પાર્ટીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં જ્યાં જ્યાંથી પણ પસાર થશે તે દરેક સ્થળે આમ આદમી પાર્ટીના સ્થાનિક પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ યાત્રામાં જોડાશે. ઇન્ડિયા ગઠબંધન હેઠળ આમ આદમી પાર્ટી કોંગ્રેસ પાર્ટીની ભારત જોડો ન્યાય યાત્રાને સફળ બનાવવામાં સંપૂર્ણપણે યોગદાન આપશે. આગામી સમયમાં યોજનારી પેટા ચૂંટણીમાં કઈ રીતે કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટી સાથે મળીને કામ કરી શકે છે તે મુદ્દા પર પણ આગામી સમયમાં ચર્ચા કરવામાં આવશે.