સુરત: ૧૧મી માર્ચથી શરૂ થનારી ધો.10 અને 12 (સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ) ની બોર્ડ પરીક્ષાઓને અનુલક્ષીને શિક્ષણમંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષસ્થાને અને શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાની ઉપસ્થિતિમાં તમામ જિલ્લા કલેક્ટરશ્રીઓ સાથે વિડીઓ કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી.
Decision News ને મળેલી બેઠકમાં સુરત જિલ્લા સેવા સદન ખાતેથી જિલ્લા કલેકટર ડૉ.સૌરભ પારધી, નિવાસી અધિક કલેકટરશ્રી વિજય રબારી અને જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમાર, ડી.સી.પી. હેતલ પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા. બેઠકમાં બોર્ડ પરીક્ષાને અનુલક્ષીને ટ્રાફિક સંચાલન, પરીક્ષા કેન્દ્રો પર પ્રાથમિક આરોગ્યની સુવિધાઓ સહિત તમામ પૂર્વ તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
વિડીઓ કોન્ફરન્સ બાદ કલેક્ટરશ્રી ડૉ.સૌરભ પારધીએ સુરત જિલ્લા પરીક્ષા સમિતિની બેઠકમાં પરીક્ષા દરમિયાન ગરમીના વાતાવરણને ધ્યાને લઈ કલેક્ટરશ્રીએ આરોગ્ય વિભાગને ગ્રામ્ય અને શહેરોના દરેક પરીક્ષા કેન્દ્રો પર આગમચેતીના ભાગરૂપે આરોગ્યની જરૂરી સુવિધા ગોઠવવા અનુરોધ કર્યો હતો. તેમજ શહેરમાં ચાલતી મેટ્રોની કામગીરીને કારણે ઉદ્દભવતી ટ્રાફિકની સમસ્યાનો ઉલ્લેખ કરી બાળકો નિયત સમયે પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચી શકે તે માટે સુચારૂ વ્યવસ્થા ગોઠવવા પોલીસ તંત્રને જણાવ્યુ હતું.
જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમારે પરીક્ષાની પૂર્વતૈયારીના ભાગરૂપે કરાયેલા સુવ્યવસ્થિત આયોજનની વિગતો આપી હતી. તેમજ પેપરો પરીક્ષા સ્થળ સુધી સુરક્ષિતરૂપે પહોંચે ત્યાં સુધી દરેક તબક્કાની માહિતી આપતી રાજ્ય સરકારની PATA (પેપર બોક્સ ઓથેન્ટિકેશન એન્ડ ટ્રેસિંગ એપ્લિકેશન) મોબાઈલ એપ વિષે જાણકારી આપી હતી. બેઠકમાં વિવિધ વિભાગોના કર્મચારી/અધિકારીઓ હાજર રહ્યા હતા.