ભરૂચ: ઇન્ડિયા ગઠબંધન હેઠળ આમ આદમી પાર્ટીના ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતરભાઈ વસાવાની અધ્યક્ષતામાં સ્વાભિમાન યાત્રા ચાલી રહી છે. આ સ્વભિમાન યાત્રા હાલ ભરૂચ લોકસભાના ગામે ગામ ફરી રહી છે. સ્વાભિમાન યાત્રા પોતાના નવમા દિવસમાં ભરુચ વિધાનસભાના કુકરવાડા, વેરવાડા, દશાંત, દેહગામ, મનુબર, કરમાડ, વાસી અને દેત્રાલ સહિત અનેક ગામોમાં ફરી હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ આ યાત્રા દરમિયાન ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, જે દિવસે આપણે ભરૂચ લોકસભા જીતીશું તે દિવસે સમગ્ર દેશ આપણને અભિનંદન આપશે, કારણ કે આપણે વર્ષોથી ચાલતી ડબલ એન્જિનની સરકાર સામે લડી રહ્યા છીએ. હું આટલી મજબૂત સરકાર સામે એટલા માટે લડી શકું છું કારણ કે મારી સાથે વડીલો, યુવાનો, માતા બહેનો અને ઈમાનદાર લોકો છે. અને આ લોકો જ મારી સૌથી મોટી તાકાત છે.
આ ચૂંટણી અગાઉની ચૂંટણીઓ જેવી કોઈ સામાન્ય ચૂંટણી નથી. આ ચૂંટણી લોકશાહીને બચાવવા માટેની ચૂંટણી છે. લોકશાહી બચાવવા માટે કોંગ્રેસે અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે અને હાલ સમીકરણો પણ ખુબ જ સરસ બન્યા છે. રાજ્યમાં લગભગ 30 વર્ષથી ભાજપની સરકાર છે અને કેન્દ્રમાં 10 વર્ષથી ભાજપની સરકાર છે, તેમ છતાં પણ તે સરકાર નિષ્ફળ સાબિત થઈ છે. માટે હાલ અમે તમારી પાસે એક મોકો માંગવા માટે આવ્યા છીએ. અમે વિનંતી કરીએ છીએ કે અમને એક મોકો આપીને જુઓ. અમે કોઈ મોટા નેતાઓ નથી કે મોટા પરિવારમાંથી આવનારા લોકો નથી પરંતુ જ્યાં પણ કોઈ વ્યક્તિ સાથે કોઈ અન્યાય થાય કે કોઈ મહિલા સાથે કોઈ અન્યાય થાય ત્યાં અમે ઉભા રહીએ છીએ. માટે મારી વિનંતી છે કે આ વખતે જનતા વચ્ચે રહીને કામ કરનાર વ્યક્તિને ચૂંટવામાં આવે. અમે આપને ખાતરી આપીએ છીએ કે ચૂંટણી જીત્યા બાદ સતત આપની સેવા કરતા રહીશું.