ભરૂચ: આદિવાસી ડેડીયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતરભાઈ વસાવાની આગેવાનીમાં શરૂ થયેલ સ્વાભિમાન યાત્રાના સફળતાપૂર્વક ત્રણ દિવસ પૂરા થયા. આ યાત્રા 21 દિવસ સુધી ચાલશે અને ભરૂચ લોકસભાના અલગ અલગ ગામોમાં ફરશે. 24 ફેબ્રુઆરીના રોજ અંકલેશ્વર હાંસોટ વિધાનસભાના અલગ અલગ ગામોમાંથી આ સ્વાભિમાન યાત્રા પસાર થઈ હતી
Decision News ને મળેલી માહિતી મુજબ અંકલેશ્વર હાંસોટ વિધાનસભામાંથી પસાર થયેલી સ્વાભિમાન યાત્રામાં તમામ જગ્યાએ ચૈતરભાઈ વસાવાનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને લોકોનું ખૂબ જ સમર્થન મળ્યું હતું. આ યાત્રામાં ચૈતરભાઇ વસાવાની સાથે સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ તથા સ્થાનિક પદાધિકારીઓની સાથે સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા.
આદિવાસી ધારાસભ્ય ચૈતરભાઇ વસાવાએ લોકોને જણાવ્યું કે હું ધારાસભ્ય બન્યો એ પહેલાથી જ લોકોની સેવા કરતો હતો પરંતુ ધારાસભ્ય બન્યા બાદ આદિવાસી વિસ્તારમાં મારી લોકપ્રિયતા વધતી ગઈ, માટે ભાજપને મારાથી ખતરો મહેસુસ થયો. એટલા માટે તેમણે ષડયંત્ર રચીને મને અને મારા ધર્મ પત્નીને જેલમાં નખાવ્યા. આ ફક્ત મારા પરિવારનું જ નહીં પરંતુ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે કારણ કે ષડયંત્રકારીઓએ આદિવાસી સમાજની દીકરીને જેલમાં મોકલી હતી. ભાજપના સાંસદો ક્યારેય પણ આદિવાસી સમાજની સેવા કરતા નથી. આદિવાસી વિસ્તારોમાં અનેક સમસ્યાઓ છે પરંતુ આ સમસ્યાઓના સમાધાન માટે ભાજપના નેતાઓ ક્યારેય પણ આગળ આવતા નથી. અને હું આદિવાસી વિસ્તારમાં લોકો માટે દિવસ રાત મહેનત કરું છું તો ભાજપ મને રોકવા માંગે છે. પરંતુ મને વિશ્વાસ છે કે આ લોકસભા ચૂંટણીમાં સમગ્ર આદિવાસી સમાજ અને સમગ્ર ભરૂચના તમામ સમાજના લોકો મારો સાથ આપશે અને આ ચૂંટણી જીતાડશે.

