મહુવા: આદિવાસી સમાજના ધોડિયા સમુદાયના નાગડા ગરાસિયાકુળની “પરજણ” ની સુરત જિલ્લા, મહુવા તાલુકાના કરચેલીઆ ગામ ખાતે તારીખ 18 ફેબ્રુઆરી 2024 ના રોજ માસ્તર ફળિયા મુકામે પારંપરિક ઊજવણી કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે વિશ્વભરમાં રહેતા તમામ આદિવાસી સમુદાયો પોત-પોતાની વિશેષ સંસ્કૃતિ ધરાવે છે અને તેને પેઢી દર પેઢી ટકાવી રાખવા માટે તેમની આગવી રીત પણ છે. આવી વૈવિધ્ય પૂર્ણ સંસ્કૃતિમાં તમામ આદિવાસી સમુદાયોમાં સમાનતા પણ છે. આવી અનેક સમાનતાઓ પૈકીની એક એ છે કે આદિવાસીઓમાં મૃત્યુ પછી મોક્ષની કે સ્વર્ગ-નર્કની કલ્પના નથી, તથા સ્વર્ગ-નર્કમા ગયા પછી નવા અવતાર ધારણ કરીને આપણી સાથેના સંબંધો પૂરા થઈ જતાં નથી. પરંતુ, મૃત્યુ પછી મરણ પામનારાઓની (મન્નારાઓની) અલગ દુનિયા હોય છે કે જેઓ સાથે આપણો ભાવનાત્મક સંબંધ હંમેશા જળવાય રહે છે. તેથી તેમને ખત્રી તરીકે (દરેક સમુદાયના અલગ નામ હોય શકે) પ્રસ્થાપિત કરીને તેમને પણ દેવનો દરજ્જો આપવામાં આવે છે (આમ પણ જેમના થકી આપણે આ વિશ્વમાં છીએ તે એટલે કે માં -બાપ અને પૂર્વજો થી મોટા કોઈ દેવ નથી એવું આપણે સૌ સ્વીકારીએ છીએ) તથા સમય-સમયાંતરે કે પરિવાર કે કુળ-કબીલાઓના વિવિધ પ્રસંગોએ તેમને આગવી રીતે અવશ્ય યાદ કરવામાં આવે છે. પશ્ચિમ ભારતમાં વસતા આદિવાસીઓ પૈકી ધોડિયા સમુદાયમાં પોતાના પૂર્વજોને યાદ કરી તેમનાં પ્રત્યેની પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે પોત પોતાના કુળમાં “પરજણ” ની ઊજવણી કરવામાં આવે છે.
જેમાં છેલ્લા થોડા દસકાઓથી આવેલી બજારવાદી માનસિકતા તથા અન્ય કારણોસર આ પરંપરા પણ ફક્ત ભૌતિક ક્રિયાઓ બની રહી છે. જેથી સંવેદનાઓ તથા ભાવનાત્મક સંબંધોનું મહત્વ ઓછું થઈ રહ્યું હતું. તેથી આ પરંપરાગત ઊજવણીમાં સૌની સહભાગિતા રહે અને નવી પેઢીને પોતાના પૂર્વજો પ્રત્યે પ્રેમ અને ગૌરવ ની ભાવના જાગે તે આશયથી નાગડા ગરાસિયા કુળના વડીલો અને યુવાનોએ દર બે વર્ષે ઊજવાતા આ પ્રસંગને પારંપરિક રીતે (કે જે ઊજવણી કરાવવામાં બહારના કોઈ વ્યક્તિની જરૂર પડતી નથી) ઊજવવાનું નક્કી કરેલ, તે અનુસારની ઊજવણી પર્યાવરણને કે અન્ય કોઈને પણ નુકસાન કર્યા સિવાય પોતાની આસપાસના ઉપલબ્ધ નૈસર્ગિક સંસાધનોનો ઉપયોગ કરી ભાવનાત્મક ઊજવણી કરી. જેમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વસતા નાગડા ગરાસિયા કુળના મહિલા-પુરુષ પ્રતિનિધિઓ તેમજ બાળકોએ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. તેમજ હવે પછી પોતાની આગવી આદિવાસી જીવનશૈલી કે જે સાંસ્કૃતિક વૈવિધ્યતા અને જૈવિક વૈવિધ્યતા ઉપર સંપૂર્ણ આધાર રાખે છે તેને ટકાવી રાખવા સંકલ્પ કર્યો.
BY- સેજલબેન ગરાસિયા