ચીખલી: લોકોને ડિવોર્મિંગના મહત્વ અંગે જાગૃત કરવા 10 ફેબ્રુઆરીનો દિવસ રાષ્ટ્રીય કૃમિમુક્ત દિવસ તરીકે ચીખલી તાલુકાના માંડવખડક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંતર્ગત આવતાં માંડવખડક, ઘોડવણી, ઢોલુમ્બર, મિયાઝરી, અગાસી જેવા ગામડાઓમાં આજે 15 મી ફેબ્રુઆરીના દિવસે ઉજવણી કરવામાં આવી હતી.
Decision News ને ચીખલી તાલુકાના માંડવખડક PHC ના ડોકટર ચંદ્રકાંત પટેલ પરથી મળેલી જાણકારી પ્રમાણે આ દિવસ ઉજવવાની શરૂઆત સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 2015માં કરવામાં આવી હતી. જેનો મુખ્ય હેતુ આંતરડાના કીડાઓ કે જેને કૃમિ પણ કહીએ છીએ તેમના વિશે જાગૃતતા વધારવા અને બાળકોમાં આ કૃમિના પૂર્ણ રીતે ઉન્મૂલનનો લક્ષ્યાંક પ્રાપ્ત કરવાનો છે. આ કાર્યક્રમમાં 1 થી 19 વર્ષના સ્કુલમાં જતા અને ન જતા તમામ બાળકોને સમાવી લેવાયા હતા અને જે બાકી રહી ગયા છે તેમને 22 ફેબ્રુઆરીના રોજ આવરી લેવામાં આવશે.
રાષ્ટ્રીય કૃમિમુક્ત દિવસનું મહત્વએ છે કે 1 વર્ષથી લઈને 9 વર્ષની ઉંમરના બાળકો બહાર રમતી વખતે માટીના સંપર્કમાં આવવાથી કૃમિના સંક્રમણને રોકવું અશક્ય છે. કૃમિ સંક્રમણ બાળકોના જીવનની ગુણવત્તાને ઓછી કરી શકે છે, તેમના શારીરિક વિકાસ અને માનસિક વિકાસને અવરોધી શકે છે. માટે દેશભરમાં બાળકોને બચાવવા રાષ્ટ્રીય કૃમિમુક્ત દિવસની ઉજવણી થાય છે.

