વલસાડ: મોટા શહેરોમાં વર્તમાન સમયમાં બિલ્ડીંગોમાં આગની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે અને લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે ત્યારે દુર્ઘટનામાં લોકોના જીવ બચી જાય એ માટે વલસાડની ખેરલાવ પ્રાથમિક શાળાના નાના વિધાર્થી અને શિક્ષકે બનાવેલી અનોખી લાઇફ સેવિંગ વિન્ડો સિસ્ટમ અનેક રીતે ઉપયોગી સાબિત થઈ શકે છે.

Decision News ને મળેલી માહિતી મુજબ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના નાનકડા ખેરલાવ ગામની આ છે સરકારી પ્રાથમિક શાળા. આ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા જિયાંશ મનીષભાઈ પટેલ નામના એક વિદ્યાર્થી અને શાળાના ગણિત વિજ્ઞાનના શિક્ષક ચેતન પટેલે એક અનોખી કૃતિ બનાવી છે. રાજ્યમાં શિક્ષણ વિભાગ દ્વારા યોજાતા ગણિત વિજ્ઞાન મેળાઓ બાદ હવે આ કૃતિ રાષ્ટ્રીય કક્ષાએથી લઇ હવે આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે પસંદગી થઇ છે. આથી આ બાળક હવે જાપાનમાં જઈ પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરશે.

આ નાનકડા ગામનું આદિવાસી બાળક હવે જાપાનમાં જઈ પોતાની પ્રતિભાનો પરિચય કરાવી ન માત્ર વલસાડ જિલ્લા કે ગુજરાત પરંતુ સમગ્ર દેશનું નામ રોશન કરવા જઈ રહ્યો છે. આથી શાળાના શિક્ષકો અને ગામમાં પણ ઉત્સાહનો માહોલ છે. નાનકડી પ્રાથમિક શાળાના વિધાર્થીએ બનાવેલીઆ કૃતિનું નામ લાઈફ સેવિંગ વિન્ડો છે. આ લાઇફ સેવિંગ વિન્ડો જોવામાં સામાન્ય લાગશે પરંતુ તેનો ઉપયોગ અને મહત્વતા જાણીને આપને પણ નવાઈ લાગશે. કારણ કે છેલ્લા કેટલાક સમયથી જે રીતે શહેરોમાં હાઈ રાઇઝ બિલ્ડીંગો બનતી થઈ છે. ખેરલાવની આ પ્રાથમિક શાળાના વિદ્યાર્થી અને શિક્ષકે બનાવેલી આ અનોખી લાઇફ સેવિંગ વિન્ડો પ્રોજેક્ટ દ્વારા આગની દુર્ઘટનાઓ વખતે લોકોના જીવનું રક્ષણ થઈ શકે છે.