વાંસદા: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે નવસારી જિલ્લાના વાંસદા ખાતેથી રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા આયોજિત ‘વન સેતુ ચેતના યાત્રા’ને રાજ્યના મંત્રીશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવી હતી.
રાજ્યના ઉમરગામથી અંબાજી સુધીના સમગ્ર આદિવાસી વિસ્તારના સર્વાંગી વિકાસની નેમ સાથે આયોજિત આ યાત્રાના શુભારંભ અવસરે મુખ્યમંત્રીના વરદ્હસ્તે લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસીઓના પ્રાચિન અને ઐતિહાસિક મહત્વને ઉજાગર કર્યું છે તેમજ વિકાસના અવસર આપીને સક્ષમ બનાવ્યા છે. તેમણે આ ‘વન સેતુ ચેતના યાત્રા’ સમગ્ર આદિવાસી બેલ્ટને વિકાસની ધારામાં વધુ મજબુતાઈથી જોડશે તેમજ સરકારની કલ્યાણકારી યોજનાઓને વન-જન સુધી પહોંચાડવાનું સક્ષમ માધ્યમ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
વધુમાં તેમણે આ યાત્રાને સર્વગ્રાહી વિકાસની ચેતના સાથે વન-પર્યાવરણ જાળવણી તેમજ પ્રકૃતિ જતનની ચેતના યાત્રા તરીકે વર્ણવી હતી તેમજ માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા તેમના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન શરૂ કરવામાં આવેલ વનબંધુ કલ્યાણ યોજનાનો સંદર્ભ આપીને રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ આરોગ્ય, શિક્ષણ સહિતની વિવિધ યોજનાઓની રૂપરેખા આપી આદિવાસી બાંધવોના સર્વાંગી વિકાસ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.