વલસાડ: જાહેર વહીવટના ક્ષેત્રે કામ કરનારાઓએ સકારાત્મક વિચારધારા રાખીને લોકકલ્યાણ માટે સતત ક્રિએટિવ અને ઇનોવેટીવ કાર્યો કરતા રહેવા જોઈએ. કંઇક એવાજ દૃષ્ટિબિંદુથી જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એમ.સી.ભૂસારા સાહેબે કચેરીમાં વારલી પેઇન્ટિંગને વલસાડ જિલ્લાના ચિત્રશિક્ષકોની ટીમ દ્વારા કચેરીની દીવાલો બોલતી કરી છે.
ઉલ્લેખનીય છે કે વારલી ચિત્રકળાએ ગુજરાત રાજ્યના ડાંગ, વાંસદા,ધરમપુર, કપરાડા, ઉમરગામ અને તેને અડીને આવેલા મહારાષ્ટ્રના પર્વતીય વિસ્તારમાં રહેતા વારલી સમાજના લોકોની પરંપરાગત ચિત્રકળા છે. જેમાં ચોખાના લોટથી બનાવેલ સફેદ રંગથી દીવાલ ઉપર પ્રસંગો મુજબ વિવિધ આકાર આપવામાં આવે છે. વારલી સમાજમાં જેના ઘરે શુભ પ્રસંગ હોય કે તહેવાર હોય ત્યારે, લાલ રંગના ગેરુ વડે રંગાયેલ કાચી છાણ માટીની લીપણવાળી ભીત પર ચોખાના લોટ સાથે ગુંદર ભેળવીને બનાવવામાં આવેલ સફેદ રંગ વડે પ્રસંગો અનુરૂપ ચિત્રો દોરવાની પરંપરા છે. ખેતરમાં નવા પાક આવતા પણ લોકો ઉત્સવ ઉજવે છે અને ઘરોમાં આ ચિત્રો ચીતરાવે છે. આમ એક ચિત્ર એક હજાર શબ્દો બરાબર છે. કુદરતના ખોળે ઉછેરતા બાળકોને પ્રકૃતિ શિક્ષણ મળે, પોતાની શાળા, વૃક્ષો, નદીઓ, પંખીઓ, સમાજ જીવન અને સમૂહ ખેતી વગેરે પોતાની સાદગીભરી જીવનશૈલી વારલી ચિત્રકળમાં જોઈ શકાય છે.
આ પ્રસંગે વલસાડ જિલ્લા ડી.ઈ.ઓ. ઓફીસમાં કરેલ વારલી ચિત્રકળા ચિત્ર શિક્ષક વિપુલભાઈ પટેલ, ભરતભાઈ પટેલ, કમલેશભાઈ ટંડેલ, મહેશભાઈ પટેલ, ગણેશભાઈ પટેલ, પ્રકાશ પટેલ, બંકિમ પ્રજાપતિ, તૃપ્તિબેન પટેલ, શિલ્પાબેન પટેલ તથા મિત્તાલીબેન પટેલ દ્વારા કરવામાં આવ્યુ હતુ.