સિલવાસ: પ્રાપ્ત માહિતી મુજબ દાદરા અને નગર હવેલી દમણ દિવ પ્રદેશમાં ભારત આદિવાસી પાર્ટીએ પગપેસારો કરવા માટે પ્રદેશ કમિટીની નિયુક્તિ કરવામાં આવી. ભારત આદિવાસી પાર્ટીના ધારાસભ્ય રાજકુમાર રોત રાજસ્થાન વિધાનસભાથી દાદરા નગર હવેલી દમણ દિવની પ્રદેશ સમિતિની જાહેરાત માટે આવ્યા હતા.
DECISION NEWS ને મળેલ માહિતી મુજબ પ્રદેશ સમિતિનું ગઠન કરવા માટે રાજસ્થાનથી બાપ પાર્ટીના સદસ્યો એક અઠવાડિયા પહેલા પ્રદેશમાં આવી ચૂક્યા હતા. પ્રદેશની વાસ્તવિક પરિસ્થિતિનો ચિતાર મેળવી ધારાસભ્ય રાજકુમાર રોત સાથે સઘન ચર્ચા થઈ હતી. જે બાદ પ્રદેશના નવયુવાનો જે રીતે સંઘર્ષ કરી સામાજિક વિચારધારા માટે લડત આપી રહ્યા હોય એવી એડવોકેટ ટીમ ઉપર વિશ્વાસ મૂકી પ્રદેશ અધ્યક્ષ પદે દિપક કુરાડા ઉપર મહોર ધારાસભ્ય રાજકુમાર રોત દ્વારા લગાવાઇ હતી. સમિતિ ગઠન ચર્ચા લગભગ ત્રણ કલાક ધારાસભ્ય રાજકુમારની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી.
જેમાં આવનારા દિવસોમાં ભારત આદિવાસી પાર્ટીને પ્રદેશમાં મજબૂત કરવા માટે તેમજ નવા સદસ્યો જોડવાના કાર્યક્રમો ઉપર ચર્ચા થઈ હતી. રાજસ્થાન વિધાનસભાના ધારાસભ્ય રાજકુમાર રોતે તમામ યુવાનોને જોશ સાથે પાર્ટીની વિચારધારા મજબુત કરવા હાકલ કરાઈ હતી.