ઝઘડિયા: ભરૂચ જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીકથી રૂંઢ ગામમાંના ખેતરમાંથી ગેસના બોટલમાંથી ગેસની ચોરી કરતી ગેંગને કુલ રુપિયા 6,03,690 લાખ ઉપરાંતના અન્ય મુદ્દામાલ સાથે ઝડપી લીધી હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ ભરૂચ જિલ્લામાં ગ્રાહકોને ગેસના બોટલની ડીલિવરી કરતા પહેલા બોટલમાંથી ગેસનું રીફીલીંગ કરી ગેસની ચોરી કરવાના બનાવો બનતા હોવાની ઘટનાઓ અટકાવવા ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લાના પોલીસ વિભાગને સુચનાઓ આપવામાં આવેલ,તેના અનુસંધાને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઇન્ચાર્જ પીઆઇ એમ.એમ.રાઠોડ દ્વારા એલસીબીની ટીમને આવા ગુનાઓ શોધી કાઢવા માર્ગદર્શન આપેલ. દરમિયાન એલસીબી પીએસઆઇ આર.કે.ટોરાણી ટીમ સાથે ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા, તે દરમિયાન બાતમી મળેલ કે રાજપારડી નજીકના રૂંઢ ગામની સીમમાં પ્રાકડથી તરસાલી તરફ જતા રોડની બાજુમાં આવેલ વિપુલ પ્રદીપ મકવાણાના ખેતરમાં એક ટેમ્પો ઉભેલો છે અને તેમાં ગેસના બોટલોનું ગેરકાયદેસર રીફીલીંગ ટેમ્પાના ડ્રાઇવર તથા અન્ય બે ઇસમો કરે છે. એલસીબીની ટીમે મળેલ બાતમી મુજબના સ્થળે રેઇડ કરતા બાતમી મુજબનો ટેમ્પો મળી આવેલ. અને તેની પાછળ કેળના ખેતરના શેઢા ઉપર બે ઇસમો એક લાલ કલરના ઘરેલુ વપરાશનો ગેસનો બોટલ તથા એક ભુરા કલરના કોમર્શીયલ વપરાશનો બોટલ સામસામે આડા પાડી વચ્ચે એલ્યુમીનીયમની નાની ધાતુની પાઇપથી એક ગેસના બોટલમાંથી બીજા ગેસના બોટલમાં ગેસનું રીફીલીંગ કરતા જણાયેલ. એલસીબી ની ટીમે સ્થળ ઉપરથી ત્રણ ઇસમો (1) ઇમામ જમાલખાન સીંધી હાલ રહે. રાજપારડી તા. ઝઘડિયા જિ.ભરૂચ મુળ રહે.રાજસ્થાન, (2) શ્યામલાલ બાબુલાલ બિશ્નોઇ હાલ રહે. રાજપારડી તા. ઝઘડિયા અને મુળ રહે. રાજસ્થાનના તેમજ (3) વિપુલભાઇ પ્રદીપભાઈ મકવાણા રહે. રુંઢ ગામ તા.ઝઘડિયાનાને ઝડપી લઇને અન્ય ઇસમ અલ્લા બક્સ સખી હાલ રહે. ઝવેરનગર ઉમલ્લા તા.ઝઘડિયા અને મુળ રહે.રાજસ્થાનનાને વોન્ટેડ જાહેર કરીને રાજપારડી પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો.
એલસીબી ની ટીમે આ ગુના હેઠળ ઘરેલુ વપરાશના ગેસના બોટલ નંગ- 70 કિંમત રૂપિયા 1,67,090, કોમર્શીયલ વપરાશના ગેસના ભરેલા બોટલ નંગ 5 કિંમત રૂપિયા 21,000 ,એક ટેમ્પો કિંમત રૂપિયા 4,00,,000 , મોબાઇલ ફોન નંગ 3 કિંમત રૂપિયા 15000, એલ્યુમિનિયમની ભુંગળી નંગ 1 કિંમત રૂપિયા 100, વજન કાંટો નંગ-1 કિંમત રૂપિયા 500, ગેસ બીલની પાવતી નંગ-70 તેમજ પ્લાસ્ટિકના ઇન્ડેન કંપનીના ગેસની બોટલ પર લગાવવાના સીલ નંગ- 10 મળી કુલ રૂપિયા 6,03,690 નો મુદ્દામાલ કબજે લીધો હતો.
વધુમાં જણાવ્યા મુજબ આ ગુના હેઠળ પકડાયેલ આરોપીઓએ અન્ય વોન્ટેડ આરોપી અલ્લા બક્સ સખી હાલ રહે. ઝવેરનગર ઉમલ્લાના કહેવા મુજબ સારસા ઇન્ડેન ગેસની એજન્સીમાંથી ઇન્ડેન ગેસની શીલબંધ બોટલો ભરીને ગ્રાહકોને ડીલિવરી આપતા પહેલા રસ્તામાં રૂંઢ ગામની સીમમાં ખેતરમાં લઇ જઇને પકડાયેલ ડ્રાઇવર ઇમામ જમાલખાન સીંધી તથા હેલ્પર શ્યામલાલ બાબુલાલ બિશ્નોઇ ટેમ્પામાં ભરેલ ગેસના શીલબંધ ઘરેલુ વપરાશના બોટલોના શીલ તોડી ધાતુની પાઇપ વડે પોતાની સાથે ટેમ્પામાં લાવેલ કોમર્શીયલ ગેસના બોટલોમાં ગેસ ભરીને પાછુ ડોમેસ્ટીક બોટલ ઉપર પોતે સાથે લાવેલ શીલ મારી દઇ ડોમેસ્ટીક ગેસની બોટલમાંથી ગેસની ચોરી કરીને ભરેલ કોમર્શીયલ ગેસના બોટલનું છુટક વેચાણ કરતા હતા, અને આ વખતે પકડાયેલ ઇસમ પ્રદીપભાઇ મકવાણા બહાર કોઇ આવી ન જાય તેની દેખ રેખ રાખતો હતો.