ચીખલી: હિટ એન્ડ રનના સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નવા કાયદાના વિરોધમાં ટ્રક ચાલકોની હડતાળને લઈને વાહનોના પૈડાં થંભી ગયા હતા ત્યારે ચીખલી તાલુકામાં આવેલી ક્વોરી સંચાલકોએ ઉત્પાદન બંધ કરવાની નોબત આવી ગઈ હતી.
ચીખલીના ક્વોરી ઉદ્યોગમાંથી સુરત, વાપી જેવા એરિયામાં ખનિજનું વહન થાય છે ત્યારે બે દિવસથી ટ્રક ચાલકોની હડતાળ પર હોવાના લીધે ચીખલી તાલુકામાં આવેલી ક્વોરી સંચાલકોએ ઉત્પાદન બંધ કરવાની નોબત આવી ગઈ હતી અને કવોરી સંચાલકોએ ઉત્પાદન બંધ કરી માલને સ્ટોક કરવાની ફરજ પડી હતી.
ગતરોજ વાંસદા તાલુકાના વણારસી સર્કલ નજીક ધરમપુર-ચીખલી તથા વાંસદા તાલુકાના ટ્રક ચાલકોએ ભેગા થઇ વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં લડત લડવાનું મૂડ બનાવી વિરોધ કરવા એક બેઠકનું આયોજન કર્યું હતું. અનંત પટેલ કેન્દ્ર સરકારના નવા કાયદા સામે વિરોધ ઉઠાવી ડ્રાઈવરોને સમર્થનમાં આવ્યા હતા અને 8મી જાન્યુઆરી સુધી ડ્રાઈવર કામ ઉપર જશે નહીં અને ચીખલી, વાંસદા, ધરમપુર તથા તાપી જિલ્લામાં વિવિધ કચેરીઓમાં આવેદનપત્ર સુપરત કરશે. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા ડ્રાઇવરો માટે લાવેલો નવો કાળો કાયદો પાછો નહીં ખેંચે ત્યાં સુધી અમારો વિરોધ ચાલુ રહેશે. આ આવેદનપત્રમાં મુદ્દત આપવામાં આવશે. જો આ કાયદો સરકાર પાછો નહીં ખેંચશે તો અમે ચક્કાજામ કરીશું તો પણ નિરાકરણ નહીં આવશે તો નેશનલ હાઇવે જામ કરીશું. આ બેઠકમાં ધરમપુર અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ પણ વલસાડના અલગ અલગ તાલુકાના ડ્રાઇવરો આવ્યા હતા અને આ ડ્રાઇવરોને જાહેર સમર્થન આપ્યું હતું.











