ઝારખંડ: હાલમાં જ ઝારખંડ મુક્તિ મોર્ચા સરકારના રાજ્યમાં 4 વર્ષ પૂર્ણ થતાં આદિવાસી મુખ્યમંત્રી હેમંત સોરેને પેન્શન અંગે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, રાજ્યના આદિવાસી અને દલિત સમાજના લોકોને 50ની ઉંમર વટાવટા જ પેન્શનના હકદાર બનશે. હેમંત સોરેને દાવો કર્યો કે, વર્ષ 2000માં ઝારખંડ રાજ્યની સ્થાપના થયા બાદ 20 વર્ષમાં માત્ર 16 લાખ લોકોને જ પેન્શનનો લાભ મળ્યો. તેમણે કહ્યું કે, અમારી સરકારે લાભાર્થીઓની સંખ્યા વધારી 36 લાખ લોકોને પેન્શન આપે છે.

મહત્વનું છે કે, રાંચીના મોરહાબાદીમાં એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી સોરેને 4547 કરોડ રૂપિયાના 343 પ્રોજેક્ટોનું શિલાન્યાસ અને ખાતમુહૂર્ત કર્યું. આ દરમિયાન ઝારખંડના મુખ્યમંત્રીએ કહ્યું કે, સરકારે આદિવાસીઓ અને દલિતોને 50ની ઉંમર પૂરી થયા બાદ પેન્શનનો લાભ આપવાનો નિર્ણય લીધો છે. તેમનો મૃત્યુદર વધુ છે, તેમને 60ની ઉંમર બાદ નોકરીઓ પણ મળતી નથી. આ નિર્ણય વિશેષરૂપે રાજ્યના નબળા આદિવાસી સમુહો માટે ખુબ જ કારગત નિવડશે.

વધુમાં તેમણે કહ્યું કે, અમારી સરકારે 4 વર્ષમાં 60 વર્ષથી વધુની ઉંમરના 36 લાખ લોકોને પેન્શન પુરુ પાડ્યું છે. તેમાં 18થી વધુ ઉંમરની વિધવાઓ અને શારીરિક રૂપે અક્ષમ લોકો સામેલ છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, અમારી સરકાર જન કલ્યાણ માટે અથાગ પ્રયાસો કરી રહી છે અને ઘણી યોજનાઓ એવી છે, જેને પ્રથમવાર લાગુ કરવામાં આવશે. તેમાં મુખ્ય યોજના ‘આપકી યોજના, આપકી સરકાર, આપકે દ્વાર’ પણ સામેલ છે. તેમણે કહ્યું કે, અમારી સરકારનો હેતુ ગ્રામીણોને ઘેર સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવાનો છે.