વાંસદા: વાંસદાના નવા ડેપોમાં CCTV કેમેરા અંગેના પોસ્ટર લગાવાઈ ગયા છે પરંતુ CCTV કેમેરાનું હજુ સુધી કોઈ ઠેકાણું પડ્યું નથી. નવું બસ સ્ટેશન બન્યા બાદ છેલ્લા કેટલાક મહિનાઓથી નવું બસ ડેપો જ કાર્યરત થયું છે. ત્યારથી અત્યાર સુધીમાં CCTV કેમેરા લગાવાયા જ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, વાંસદા તાલુકો અંતરિયાળ વિસ્તારમાં આવેલ છે અને ઘણાં ખરા ગામડાઓનું કેન્દ્ર અહીં હોવાથી હંમેશને માટે ધમધમતું રહે છે.

અહીંના વેપારીઓ દ્વારા માલસામાન ટ્રાન્સપોર્ટમાં બસ દ્વારા જ આવે છે. તો ચોરી થયાનો બનાવ બને તો સીસીટીવીના નામે મીંડું હોવાથી ચોરને ભાવતું મળી જાય. તેમજ અત્યાર સુધી અહીં એવો કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી પરંતુ એકલી ટ્રાવેલ કરતી છોકરીઓ માટે પણ મુશ્કેલીઓ. ઉભી થઈ શકે છે. સામાન્ય દિવસોમાં દૂરથી આવતી બસો વહેલી સવારે 3.00, 4.00 કે 5.00 વાગ્યે ઉતારી દે છે, તો તેમની સલામતી પર પણ પ્રશ્નાર્થ ચિન્હ ઉભું થાય છે. જ્યારે સરકાર દ્વારા ડિજીટલ ઇન્ડિયા મોટી મોટી વાતો કરાય છે. ત્યારે અહીં નવનિર્માણ થયેલ બસ સ્ટેશનની તીસરી આંખ જ ગાયબ થઈ ગઈ.

અહીં મુસાફરોની અવર જવર પણ વધારે થાય છે કારણ કે અહીંથી લોકો વલસાડ, સાપુતારા, સુરત તેમજ અન્ય સ્થળોએ અવરજવર કરતાં હોય છે. મહારાષ્ટ્ર બોર્ડર પણ નજીક હોવાથી ત્યાં પણ લોકો અવર જવર કરતા જ હોય છે. અહીંથી લોકો વિવિધ કારણોસર જેમકે શિક્ષણ, નોકરી કે પર્યટનના લીધે અહીંથી લોકો ટ્રાવેલિંગ કરતાં હોય છે. જેમની સલામતી માટેની જવાબદારી કોની ?