ગુજરાત: વર્તમાન સમયમાં ગાંધીનગરમાં ‘ગિફ્ટ સિટી’માં દારૂ પીવાની મંજૂરીનો મુદ્દો ગુજરાતમાં લોકચર્ચાનો વિષય બન્યો છે ત્યારે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5 માં એવું તારણ સામે આવ્યું કે ગુજરાતમાં 40 લાખ પુરુષો દારૂ પીએ છે. જેમાં મહિલાઓ પણ બાકાત નથી. ગુજરાતમાં દારૂબંધી કાગળ પર જ રહી છે કેમ કે પોલીસના અમુક અધિકારીઓના આશીર્વાદથી દારૂ વેચાઇ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દર વર્ષે કરોડો રૂપિયાનો દારૂ પકડીને પોલીસ વાહવાહી મેળવે છે પણ દારૂ વેચાઈ પણ છે, અને પીવાય પણ છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના આંકડા કહે છે કે, રાજ્યમાં આજે 5.8 ટકા પુરુષો દારૂના બંધાણી છે જયારે 0.6 ટકા મહિલાઓ પણ દારૂ પીએ છે. શહેરોમાં દારૂ પીનારા પુરુષોની ટકાવારી 5 ટકા છે તો ગામડાઓમાં 6 ટકા પુરુષો દારૂના વ્યસની છે.
ગુજરાત રાજ્યમાં 35 ટકા પુરૂષો અઠવાડિયે એકવાર અને 31 ટકા પુરુષો રોજ દારૂ પીએ છે. આમ, ગુજરાતમાં દારૂના બંધાણીઓની સંખ્યા ચિંતાજનક હદે દિવસે અને દિવસે વધી રહી છે. કેમ કે દારૂ પીવો આજે સ્ટેસ્ટસ બની રહ્યું છે.

