ધરમપુર: લોકસેવામાં પરમાર્થે ગતરોજ ધરમપુર તાલુકામાં શ્રી જયંતિભાઈએ પોતાના ઘરમાં પોતાની સ્વર્ગસ્થ પત્ની હંસાબેનની સ્મૃતિમાં  ‘શીતળ છાયડો’ નામની લાઇબ્રેરી.. અને ‘શીતળ છાંયડો એમ્બ્યુલન્સ’ સેવાનું થયું લોકાર્પણ કર્યું હતું.

આ પ્રંસગે હાજર રહેલા વર્ષાબેન પટેલ જણાવે છે કે જેને હું લાઇબ્રેરી નહીં ,પણ જ્ઞાનમંદિર કહીશ … રાજા પોતાની પત્નીની સ્મૃતિમાં મહેલો બનાવતા… આવા ઇતિહાસથી આપણે સૌ પરિચિત છીએ. પરંતુ પત્નીની સ્મૃતિમાં પુસ્તકાલય બનાવવું એ ઐતિહાસિક ઘટનાની આ વાત છે. શ્રી જયંતિભાઈએ પોતાના ઘરમાં પોતાની સ્વર્ગસ્થ પત્ની હંસાબેનની સ્મૃતિમાં પુસ્તકાલય બનાવ્યું. યુવાનો અને વિદ્યાર્થીઓ જાહેર પરીક્ષા માટે તૈયારી કરી શકે તે હેતુથી આ જ્ઞાન મંદિરનું નિર્માણ થયું. આજે એ જ્ઞાનમંદિર સાથે એમ્બ્યુલન્સ સેવાનો શ્રી જયંતિભાઈ દ્વારા થઈ રહેલ શુભારંભ કાર્યક્રમમાં સહભાગી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. જયંતિભાઈએ પોતાના ખર્ચે પોતાના ઘરમાં પોતાની ધર્મપત્નીની સ્મૃતિમાં એવું પુસ્તકાલય બનાવ્યું કે જ્યાં પુસ્તકો વાંચી શકાય એવા રૂમ સિવાય એક રૂમ એવો કે જ્યાં વિદ્યાર્થીઓ ઈચ્છે તો આરામ પણ કરી શકે,દૂરના વિદ્યાર્થીઓ રોકાવું હોય તો રોકાઈ શકે. ગાદલાની વ્યવસ્થા, આધુનિક રસોડું કે જેમાં ગેસની વ્યવસ્થા ઊભી કરી જેથી વિદ્યાર્થીઓ ચા નાસ્તો કરી શકે, આરો પ્લાન્ટનું શુદ્ધ પાણી પી શકે, ફ્રીઝની સુવિધા, દરેક જગ્યાએ પંખાઓ, ટોયલેટ ,બાથરૂમની સુવિધા, કોમ્પ્યુટર અને પ્રિન્ટર જેવાં આધુનિક ઉપકરણ અને પુસ્તકોનો ખજાનો તો ખરો જ..! આમ બધી સુવિધા પોતાના ખર્ચે ઉભી કરી છે.

ખરેખર, ખૂબ જ પ્રેરણાદાયી અને આજના સમયમાં જ્યારે લોકો જન્મદિવસ હોય, પુણ્યતિથિ હોય ત્યારે દેખાદેખીમાં ભવ્ય પાર્ટીઓ કરે ..એવા સમયમાં શ્રી જયંતિભાઈએ પત્નીને શ્રદ્ધાંજલિ અર્પવા જ્ઞાન મંદિર બનાવ્યું…અને આજે એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી…આ પુસ્તકાલયમાંથી વાંચન કરી જે ૧૩ વાચકોએ સરકારી નોકરી મેળવી, એમનું આજે સન્માન થયું…. ધરમપુર આસપાસના લોકોને મેડિકલ ઈમરજન્સી સેવા માટે ખુબજ રાહત દરની 24 કલાક એમ્બ્યુલન્સ સેવાનો જયંતિભાઈ પટેલના હસ્તે શુભારંભ આજરોજ કરવામાં આવ્યો. ધન્ય છે જયંતિભાઈની માનવસેવાને.. ખરેખર, દેખાદેખીમાં અનુકરણ કરવું હોય તો આ અનુકરણ અનુકરણીય છે..

by: વર્ષાબેન પટેલ