નવસારી : નવસારીના સાંસદશ્રી સી.આર.પાટીલની પ્રેરક ઉપસ્થિતિમાં માર્ગ અને મકાન વિભાગ નવસારી દ્વારા રૂા.40 કરોડના ખર્ચે નવનિર્મિત દેસરા ઓવર બ્રિજને પણ નાણામંત્રીશ્રીએ ખૂલ્લો મૂક્યો હતો. આ બ્રિજ સાકાર થવાથી બીલીમોરાના સ્થાનિક નાગરિકો, વાહનચાલકો અને ગ્રામ્યજનોને સરળ આવાગમનનો લાભ થશે.

બીલીમોરા નગરપાલિકાના દ્વારા નવનિર્મિત પાર્ટી પ્લોટ ખાતે આયોજિત લોકાર્પણ સમારોહમાં નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારના સુશાસનથી વિકાસકામો તેજગતિથી સાકાર થઈ રહ્યા છે. વડાપ્રધાનશ્રીએ લોકોની સુવિધા અને સુખાકારીસભર બનાવવાની દિશા આપી છે, ત્યારે આ સુશાસનના મોડેલથી આપણા નગરપાલિકાઓ અને ગ્રામ્ય વિસ્તારોનું ડેવલપમેન્ટ વિકસિત ભારત તરફ જઈ રહ્યું હોવાનું ઉમેર્યું હતું.

નવસારીના સાંસદશ્રી સી.આર.પાટીલએ જણાવ્યું કે, દેશમાં રોડ-રસ્તા, વીજળી, પાણી, આવાસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને ગતિ મળી છે . દેશમાં આજે માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ગેરંટી થકી દરેક સમાજના લોકોનો સર્વાંગી થઈ રહ્યો છે જે વિકસિત ભારત તરફ વિકાસની ગતિનું સૂચક છે. વહીવટીતંત્રના વિકાસલક્ષી કામગીરીને બિરદાવતા તેમણે કહ્યું કે, સૌના સાથ, સૌના વિકાસના સૂત્રને અનુસરી કેન્દ્ર અને રાજ્ય સરકારે સાથે મળીને વિકાસકામોની વણઝાર કરી છે. જેમાં નવસારીના લોકોનો પણ હંમેશા સહયોગ રહ્યો છે. નવનિર્મિત દેસરા રેલ્વે ઓવરબ્રિજ એ દક્ષિણ ગુજરાતના હજારો વાહનચાલકો માટે આવાગમન માટે મહત્વપૂર્ણ સાબિત થશે
એમ સાંસદશ્રી સી.આર.પાટીલે ઉમેર્યું હતું.

ગણદેવી ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું કે, વર્ષોથી સ્થાનિક નાગરિકો જેની રાહ જોઈ રહ્યા હતા તે સપનું આજે સાકાર થઈ રહ્યું છે. જનપ્રતિનિધિઓની માંગણી, રજૂઆતોનો સાનુકૂળ પ્રતિસાદ આપીને રાજ્ય સરકાર પણ પ્રોત્સાહક અનુદાન આપી રહી છે, જેના કારણે વિકાસના નિર્માણ જેવા અનેકવિધ પ્રકલ્પો પ્રગતિમાં છે એની વિગતો તેમણે આપી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈ, નવસારીના ધારાસભ્યશ્રી રાકેશભાઈ દેસાઈ, નવસારી જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ભુરાભાઈ શાહ, નવસારી જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા, પોલીસ અધિક્ષકશ્રી સુશીલ અગ્રવાલ સહિત મહાનુભાવો, અધિકારી કર્મચારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.