વલસાડ: ગુજરાત સરકારમાં મંત્રી રહી ચૂકેલા અને નવસારીના વતની તેમજ હાલ મધ્યપ્રદેશના રાજ્યપાલશ્રી મંગુભાઈ પટેલે તા. ૧૫ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વારોલી તલાટ ગામ ખાતે જિલ્લા સંગઠનના માજી પ્રમુખ અને કપરાડાના માજી ધારાસભ્યશ્રી માધુભાઈ રાઉતના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી હતી.
DECISION NEWS ને મળેલ માહિતી મુજબ આ પ્રસંગે તેમણે ઉપસ્થિત સૌને સંબોધીને જુના સંસ્મરણો વાગોળી કાર્યકરો સાથે મુલાકાત પણ કરી હતી. કપરાડાના ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરી પણ રાજ્યપાલશ્રીના સ્વાગત માટે ખાસ ઉપસ્થતિ રહ્યા હતા. નવસારીના પીએસઆઈ પરશુભાઈ મગનભાઈ પટેલની દીકરીના વલસાડના કૈલાસ રોડ સ્થિત મણીબાગ ખાતે લગ્ન પ્રસંગમાં પણ રાજ્યપાલશ્રી મંગુભાઈ પટેલે સહ પરિવાર સાથે પધારી શુભેચ્છા પાઠવી હતી. આ તકે વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા તેમના અંગત મિત્ર અને સંગઠનના જુના કાર્યકર નગીનભાઈની પણ રાજ્યપાલશ્રીએ મુલાકાત લઈ ખબર અંતર પૂછયા હતા. આ વેળા ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ અને જિલ્લા સંગઠનના પ્રમુખ હેમંતભાઈ કંસારા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.