ઉમરગામ: 4 ડિસેમ્બર કેન્દ્ર રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકોને મળે તેમજ લોકોને આ યોજનાઓની જાણકારી મળી રહે તેવા આશય સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામેગામ ફરી રહી છે. જે અંતર્ગત ઉમરગામ તાલુકાના વંકાસ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. રથનું કુમકુમ તિલક અને નાળિયેર વધેરીને ઉમેળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી પાટકરે ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓના લાભ લેવા જણાવી કહ્યું કે, કેન્દ્ર સરકારની 375 અને રાજ્ય સરકારની 241 યોજનાઓ છે જેમાંથી મોટે ભાગે લોકો આવાસ, આયુષ્યમાન કાર્ડ, અન્ન યોજના, ઉજ્જવલા યોજના અને વિધવા યોજના જેવી યોજનાનો લાભ લે છે તે સારી વાત છે પરંતુ સરકાર દ્વારા પ્રજાના કલ્યાણ માટે આ સિવાય પણ અનેક યોજનાઓ છે કે જે યોજનાઓનો લાભ લેવાથી જીવન સરળ બની શકે છે અને આર્થિક રીતે મદદ મળી રહી છે પરંતુ તે માટે સરકારની યોજનાઓ વિશે માહિતગાર હોવું જરૂરી છે. એવી અનેક યોજનાઓ છે કે, જેની ખબર હોતી નથી. વધુમાં ધારાસભ્યશ્રીએ દરેક લોકોમાં દેશભક્તિની ભાવના પ્રબળ બનાવવા પર ભાર મુકી સરકારની યોજનાનો લાભ લેવા આહવાન કર્યુ હતું. લાકડા ન કાપી ઓક્સિજન માટે જંગલનો ઉછેર કરવા અને ઉજ્જવલા યોજનાનો લાભ લેવા તેમણે જણાવ્યું હતું. વંકાસ ગામના વિકાસ માટે ગામમાં રૂ. 2 કરોડના ખર્ચે ડુબાણમાં જતો પુલને તોડી નવો બ્રિજ અને રૂ. 1.17 લાખના ખર્ચે રસ્તાના નવીનીકરણના કામનો ઉલ્લેખ કર્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત તાલુકા વિકાસ અધિકારી ચંદ્રકાંતસિંહ પઢિયાર, ગામના સરપંચ રાજેશભાઈ ઢેંઢિયા, ઉપસરપંચ ભરતભાઈ ધોડી,મદદનીશ તાલુકા વિકાસ અધિકારી હિતાબેન બી. ભટ્ટ, આંગણવાડી સુપરવાઈઝર જાગૃતિબેન પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળનું આયુષ્માન કાર્ડ, સ્વસ્થ બાળક અને ઉજ્જવલા સહિતની યોજનાઓના લાભોનું વિતરણ અને તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.