રાજપીપલા: આદિવાસી બાહુલ વસ્તી ધરાવતા એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં વિકસિત ભારતના સંકલ્પ સાથે ગામેગામ ભ્રમણ કરી રહેલી સંકલ્પ રથ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ ફ્લેગશીપ યોજનાકીય માહિતી અને લાભો જનજન સુધી પહોંચાડી રહી છે. દેડિયાપાડા તાલુકાના ચિકદા ગ્રામ પંચાયત ખાતે આ સંકલ્પ રથ પહોંચતા ગ્રામજનોએ રથનું ઉષ્માભેર સ્વાગત કર્યુ હતુ.

ચિકદા ગ્રામ પંચાયતના પટાંગણમાં ગ્રામજનોએ સરકારની અનેકવિધ યોજનાકીય માહિતી, સિધ્ધિઓ-ઉપલબ્ધિઓ સહિત સરકારની પ્રજાલક્ષી કામગીરી અંગેની શોર્ટ ફિલ્મ નિહાળ્યા બાદ વર્ષ ૨૦૪૭ સુધી ભારતને આત્મનિર્ભર અને વિકસિત બનાવવાની પ્રતિજ્ઞા કરી હતી. આ તકે નર્મદા જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેનશ્રી ખાનસિંહ વસાવા, સરપંચશ્રી લતાબેન વસાવા સહિત ઉપસ્થિત મહાનુભાવો-અધિકારીશ્રીઓ દ્વારા ગ્રામજનોને સરકારની પ્રત્યેક યોજનાકીય લાભથી લોકોની જીવનશૈલીમાં આવેલ પરિવર્તન વિશે વાકેફ કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો, સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ દ્વારા ગ્રામજનોને પ્રધાનમંત્રી આવાસ યોજના, આયુષ્માન કાર્ડ યોજના, ઉજ્જવલા યોજના, ખેતીલક્ષી યોજનાઓ સહિતની લોકકલ્યાણકારી યોજનાઓની ઝીણવટપૂર્ણ માહિતીથી પૂરી પાડી વંચિત લાભાર્થીઓને આવરીને ગ્રામીણ વિકાસને સુનિશ્ચિત કરવાની સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો.