ડીસીઝન વિશેસ: આઝાદી મળ્યા બાદ 1949માં 26 નવેમ્બરના રોજ ભારતીય બંધારણનો મુસદ્દો સ્વીકાર કરવામાં આવ્યો હતો. આ બંધારણે ભારતના મૂળભૂત વહીવટી દસ્તાવેજ તરીકે ભારત સરકાર અધિનિયમ 1935નું સ્થાન લીધું હતું.

ઉલ્લેખનીય છે કે 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતીય બંધારણ અમલમાં આવ્યું જેને લઈને ભારત 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવે છે. ભારતનું બંધારણ જે લોકતંત્ર, સમાજવાદ, ધર્મનિરપેક્ષતા તથા રાષ્ટ્રીય અખંડિતતા જેવાં રાષ્ટ્રીય લક્ષ્યોનો આધારસ્તંભ છે. ભારતીય બંધારણ એ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે.

29 ઓગસ્ટ, 1947નાં રોજ ડ્રાફ્ટિંગ કમિટીની રચના થઈ, ડ્રાફ્ટિંગ કમિટીનીનું નેતૃત્વ ડૉ. ભીમરાવ આંબેડકરે કર્યું હતું, જવાહરલાલ નેહરુ, ડૉ. ભીમરાવ આંબેડકર, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામાપ્રસાદ મુખર્જી, સરદાર બલદેવસિંહ, ફ્રેંક એન્થોની, એચ.પી.મોદી, અલ્લાદી કૃષ્ણસ્વામી ઐયર, કનૈયાલાલ મુનશી, સરોજિની નાયડુ, વિજયાલક્ષ્મી પંડિત વગેરે બંધારણસભાનાં સભ્યો હતાં. બંધારણસભાનાં અધ્યક્ષ ડૉ. રાજેન્દ્રપ્રસાદ હતાં પરંતુ બંધારણનો મુસદ્દો ઘડવાની જવાબદારી પ્રારૂપ સમિતિનાં અધ્યક્ષ ડૉ.બી.આર.આંબેડકર હતા. ભારતીય બંધારણ વિશ્વનું એકમાત્ર બંધારણ છે જે હસ્તલિખિત છે, બંધારણની મૂળ નકલ પ્રેમ બિહારી નારાયણ રાયજાદાએ હાથ વડે લખી હતી એવું કહેવાય છે. ભારતીય બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતાં.