વાંસદા: પીપલખેડના ગ્રામજનોનું કહેવું છે કે દિવ્ય ભાસ્કરમાં પ્રેસનોટ આપવામાં આવી છે કે પીપલખેડમાં યોજાનાર સેવાસેતુ ના કાર્યક્રમમાં પ્રશ્નો સ્થળ પર નિકાલ થશે, જેમાં રાજ્ય સરકાર લોકોના વ્યક્તિગત પ્રશ્નો અંગે સ્થળ ઉપર નિકાલ કરવા લોકાભિમુખ અભિગમ સાથે નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજીત વાંસદા તાલુકામાં સેવાસેતુ કાર્યક્રમ 24 નવેમ્બર 2023ના રોજ સવારે 9 થી સાંજે 5 કલાક સુધી છે એને લઈને સોશ્યલ મીડિયામાં લોકોએ વિરોધ નોંધાવી વહીવટીતંત્રને સવાલો કર્યા છે કે..
સોશ્યલ મીડિયામાં ફરતા વિરોધ પેપ્લેટ અનુસાર (1) નેશનલ હાઇવે ૫૬ જેમાં આપણા ગામમાંથી અડધાથી ઉપર નવું એલાઈમેન્ટમાં 70 મીટરથી વધુ જમીન જાય છે, જેની 7-12માં એન્ટ્રી પણ પડી ગઇ છે.
(2) ભારતમાલા ગ્રીન સ્ટેચ (સુરત-નાસિક-ચેન્નાઈ) પ્રોજેક્ટ જે 140 મીટરનો રસ્તો પીપલખેડમાં કસાડ ફળિયાથી શરૂ થઇને આપણા ગામની આપણે ભારે(કોલમ)ની જમીન કહીએ તે બધી તેમાં આવતા આપણા ઘરો નદીઓ આપણા આસ્થાના કેન્દ્રો એવા દેવી-દેવો, વૃક્ષો આપણી વન્ય સંપતિઓ બરબાદ કરીને છેલ્લે ખોરી ફળિયા સુધીની જમીનોમાં અડધું ઉપર આપણું ગામ સંપાદન થઇ ગયું છે જેની પણ 7-12માં એન્ટ્રી પણ પડી ગઇ છે.
(3) પાર-તાપી ડેમ પ્રોજેક્ટની અડધો થી એક કિલોમીટરની કેલાન (નહેર) જેનું પણ સર્વે થઇ ગયુ છે. જેમાં બચેલું અડધુ ગામ સમાપ્ત થઈ જશે.
(4) ડીએફસીસી અંતર્ગત ભુસાવલ થી પાલઘર સુધીના બ્રોડગ્રેજ ગુડર્સ ટ્રેન પ્રોજેકટ જેમાં આપણી મહામૂલી જમીન અને પર્યાવરણ બરબાદ થશે એનું નુકશાન આપણે તો ખરું જ પણ આખા દેશને થશે, ઉદ્યોગપતિઓની નજર આપણા મહામુલા જળ-જંગલ અને જમીન પર છે. જેની ખબર શું આપણા ભણેલા-ગણેલા આગેવાનોને નહીં થતી હશે, કે પોતાના અંગત સ્વાર્થ ખાતર આંખ-કાન-મગજ બંધ કરી બેઠા છે.
આ આદિવાસી વિનાશકારી ૪-૪ પ્રોજેકટો આપણા પીપલખેડ ગામમાંથી પસાર થાય છે, તો શું આપણે બચીશું ? શું આ પ્રોજેક્ટોની આપણને જરૂર છે ? શું આપણા વિસ્તારને જરૂર છે ? શું આપણા લોકોને એનાથી કશો ફાયદો થશે ? અરે આપણે અહીંયા બચીએ જ નહીં તો આપણે શેનો ફાયદો ? તો દરેક ગ્રામજનો જાગૃત થાઓ અને આ કાર્યક્રમમાં આવેલ નેતાઓ અને અધિકારીઓને પ્રશ્નનો કરજો કે અમારી જમીન જ નથી બચવાની તો પછી આ બધું શું કામનું ? તમે આ બધા પ્રોજેક્ટો રદ્ કરવા અમને મદદરૂપ થશો ? શું અમે બરબાદ થઇશું ત્યારે તમે અમને બચાવવા આવશો ? આપણી જમીન આપણું અસ્તિત્વ જ નહીં રહે, જમીન જ નહી બચે તો ખેતી, પશુપાલન ક્યાં કરવાના ? રેશનકાર્ડ, આધાર કાર્ડ, આવક-જાતિના દાખલાઓ શું કામના ?
હવે જોવાનું એ છે કે પીપલખેડ ગ્રામજનો દ્વારા કરાયેલો સોશ્યલ મીડિયા પર વિરોધ શું રંગ લાવશે અને એના પર વહીવટીતંત્ર શું પગલાં ભરશે..

