નાનાપોઢા: કપરાડા તાલુકાના વાજવડ, કાકડકોપર ગામે વૃદ્ધ અને નિરાધાર મહિલાઓને હરીશ આર્ટ વાપી દ્વારા દિવાળી પર્વ નિમિત્તે સાડી તેમજ મીઠાઈ વિતરણ કરવામાં આવી હતી. હરીશ આર્ટ છેલ્લા આ ગામોમાં વર્ષોથી મહિલાઓને તેમજ બાળકોને પણ સેવા આપતા રહ્યા છે.

બાળકો માટે શિક્ષણની વધુ ચિંતા સેવતા હોવાથી બાળકોને વર્ષ દરમ્યાન શૈક્ષણિક કીટ પણ વિતરણ કરે છે. તેમજ દર વર્ષે દિવાળી પર્વ દરમ્યાન તેઓ પોતાના પરિવાર સાથે ઉજવણી કરવાના બદલે નિરાધાર અને વૃદ્ધ મહિલાઓ માટે સાડી, કપડા તેમજ મીઠાઈ લઈને તેઓ ગરીબ પરિવારો સાથે દિવાળી તહેવાર આનંદથી ઉજવે છે. માત્ર દિવાળી જ નહીં પરંતુ અન્ય તહેવારો પણ તેઓ ગરીબ પરિવારો સાથે ઉજવે છે.

આજે કાકડકોપર અને વાજવડ ગામે તેઓએ દિવાળીના પર્વ નિમિત્તે નિરાધાર તેમજ ગરીબ પરિવારની મહિલાઓને સાડી વિતરણ કરી હતી. તેઓ જણાવે છે કે આજે ગરીબ પરિવારે દિવાળી જેવા તહેવાર ઉજવવા માટે પૂરતા કપડા કે મીઠાઈ ખરીદી તહેવાર મનાવી શકતા નથી માટે તેઓની સાથે તહેવાર મનાવતા મને ખુબ આનંદ થાય છે. આજે વાજવડ, કાકડકોપર ગામમાં હરીશ આર્ટ વાપી દ્વારા મહિલાઓને સાડી વિતરણ કરતાં મહિલાઓમાં ખૂબ ખુશી જોવા મળી હતી. અને તેઓએ હરીશ આર્ટને અભિનંદન પાઠવ્યા હતાં.