નવસારી: આવનારા સમયમાં નવસારી જિલ્લાના છેવાડાના માનવી સુધી રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની પાત્રતા ધરાવતા તથા નબળા વર્ગના લાભાર્થીઓને લાભ મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા પ્રજા કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ નાગરીકો સુધી પહોંચાડવા અને જાગૃતિ ફેલાવવા ૨૨ નવેમ્બર-૨૦૨૩થી વિકસીત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો મુખ્ય હેતુ યોજનાઓનો લાભ મળવાપાત્ર હોય તેવા તમામ લાભાર્થી સુધી પહોંચીને યોજનાઓનો લાભ આપવો, પ્રચાર-પ્રસાર દ્વારા રાજ્યની સર્વે યોજનાઓની માહિતી તમામ લોકો સુધી પહોંચાડવી, યાત્રા દરમિયાન લાભ મળવાપાત્ર હોય એવા લાભાર્થીઓની નોંધણી કરવી, વિવિધ યોજનાકીય કામગીરીના યોગ્ય પ્રચાર – પ્રસાર થકી રાજયની જનતાની સામાજિક અને આર્થિક પ્રગતિને ઉજાગર કરવી તેમજ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત સહાય વિતરણનો છે.
બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવે જણાવ્યું હતું કે, આ અભિયાનમાં ૧૭ યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોજનાઓના શહેરી તથા ગ્રામીણ વિસ્તારમાં નિદર્શન, પ્રદર્શન, પ્રચાર-પ્રસાર અને અન્ય આનુષાંગિક કામગીરી કરવામાં આવશે. આ અભિયાન હેઠળ યોજનાલક્ષી હોડીંગ્સ, સ્વચ્છતા સંબંધિત પ્રવૃત્તિઓ, યાત્રા દરમિયાન કાર્યક્રમના સ્થળે સાંસ્કૃતિક કાર્યક્રમો તથા વિવિધ સ્પર્ધાઓ સ્થાનિક કક્ષાએ યોજાશે.