નર્મદા: ગતરોજ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના સાવલી વસાહત ખાતે ગત રોજ રાત્રિના સમય દરમિયાન જંગલી દીપડાએ સીમ વિસ્તારમાં બાંધેલા પાડાનો શિકાર કર્યો હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.
DECISION NEWS ને મળતી માહિતી મુજબ તિલકવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાએ આતંક મચાવ્યો છે. વારંવાર પશુઓને શિકાર બનાવી રહ્યો હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. હાલ થોડા સમય પહેલા વાડિયા ગામેથી વાછરડીને ફાડી ખાધી હતી. ત્યાર બાદ વાસણ ગામે દીપડાએ બે વર્ષીય બકરીનો શિકાર કરવાની ઘટના બની હતી.
વારંવાર આવી ઘટના બનતા ગ્રામ્ય વિસ્તારમાં લોકો રાત્રીના સમયે ઘરની બહાર નીકળતા ડર અનુભવે છે. ઘણીવાર આવી ઘટનાઓ બની રહી છે. જેથી જંગલ ખાતા તરફથી વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે અને વિવિધ વિસ્તારોમાં પાંજરા મૂકીને વહેલી તકે આ દીપડાને ઝડપી પાડવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે.

