નવસારી: ચીખલી તાલુકાના જરૂરીયાતમંદ અને ગરીબ દર્દીઓ માટે આશિર્વાદરૂપ સાબિત થયેલી સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ ખાતે ચીખલી ખાતે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બેસિક લાઈફ સપોર્ટ ધરાવતી એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે.
DECISION NEWS ને પ્રાપ્ત થયેલી વિગત અનુસાર ચીખલી ખાતે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બેસિક લાઈફ સપોર્ટ ધરાવતી એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી હતી. જેનું લોકાર્પણ તારીખ 19/10/2023ના રોજ માનનીય ધારાસભ્ય શ્રી ગણદેવી મતવિસ્તાર નરેશભાઈ પટેલ સાહેબશ્રી, શ્રી રાકેશભાઈ તાલુકા પંચાયત પ્રમુખશ્રી, શ્રીમતિ અમિતાબેન પટેલ, માજી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, શ્રીમતિ કલ્પનાબેન પટેલ, માજી તાલુકા પંચાયત પ્રમુખશ્રી, ડૉ. દક્ષાબેન પટેલ સુપ્રીન્ટેન્ડેન્ટ સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ ચીખલી તથા અન્ય મહાનુભાવોની હાજરીમાં કરવામાં આવ્યું. જેમાં ઑક્સિજન જરૂરિયાતવાળા દર્દીઓને હાયર સેન્ટર પર રીફર કરવા માટે ઑક્સિજનના બે જમ્બો સિલિન્ડર સાથેની સુવિધા ઉપલબ્ધ છે.
એર કંડીશનરની સુવિધા ધરાવતી આ એમ્બ્યુલન્સમાં ગંભીર દર્દીઓની સારવાર માટે વપરાતા વેન્ટીલેટર / મલ્ટીપેરા મોનીટર / ડી – ફ્રીબ્રીલેટર પણ મૂકી વાપરી શકાય એવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલમાં સારવાર માટે આવતા સંખ્યાબંધ દર્દીઓ માટે એમ્બ્યુલન્સ જીવાદોરી સાબિત થશે.

