નવસારી: ગતરોજ નવસારીના મરોલી પાસેથી પસાર થતી મુંબઈ-સેન્ટ્રલ જયપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ ટ્રેનના થર્ડ એસી કોચની એક બારી તૂટી ગઈ છે.
DECISION NEWS ને પ્રાપ્ત થયેલી વિગત અનુસાર નવસારીથી સુરત મોડી રાતે મુંબઇ સેન્ટ્રલ જયપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ જઈ રહી હતી. ત્યારે મરોલી પાસે થર્ડ એસી કોચ B3ની સીટ નંબર 41-42ની બારી પાસે પથ્થરમારો થયો હતો. જેથી તરત જ ટ્રેનને અટકાવાઈ હતી. આ મામલે ઘટનાની જાણ રેલવે પોલીસને થતા રેલવે પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ મામલે રેલવે પોલીસે અજાણ્યા લોકો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે
આ સમગ્ર મામલે નવસારી RPFના K P સીંઘ તપાસ કરી રહ્યા છે તેમણે જણાવ્યું હતું કે, હાલમાં તહેવારોની સિઝન હોવાથી તોફાની તત્વો દ્વારા ટ્રેનો પર પથ્થરમારો કરાય છે. જેથી હવે પેટ્રોલિંગ વધારવામાં આવશે. વંદે ભારત, રાજધાની, શતાબ્દી જેવી ટ્રેનોને પણ નિશાન બનાવવામાં ન આવે તે માટે અલગ-અલગ શિફ્ટમાં ટ્રેક પેટ્રોલિંગ કરાશે. ઉપરાંત રેલવે ટ્રેક આસપાસની ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને જાગૃત કરવામાં આવશે.

