નર્મદા: ગતરોજ નર્મદા જિલ્લામાં અન્નદાતા ખેડૂતોમાં મિલેટ્સ ધાન્ય પાકો અંગે જાગૃતિ વધુ તે માટે આંતરરાષ્ટ્રીય તૃણ ધાન્ય વર્ષ-૨૦૨૩ નિમિત્તે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે તિલકવાડા તાલુકા પંચાયત ભવન ખાતે આજરોજ નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડો. દર્શનાબેન દેશમુખની પ્રેરક ઉપસ્થિતિમાં કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
DECISION NEWS ને પ્રાપ્ત થયેલી વિગત અનુસાર નર્મદા જીલ્લામાં હલકા ધાન્ય પાક અંગે જાગૃતિ લાવવા માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતો અને મહિલા ટીમ હાજર રહી હતી. જે કૃષિ મેળામાં ખેતીવાડીમાં ઉપયોગી ખેત ઓજારો, સૂક્ષ્મ પિયત પદ્ધતિ, પ્રધાનમંત્રી કિસાન યોજના, આઈસીડીએસ, ખેતીવાડી વિભાગની યોજનાઓ તથા પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોનો પ્રદર્શન સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે ધારાસભ્યશ્રી ડો.દેશમુખે ઉપસ્થિત સૌ ખેડૂતમિત્રોને પ્રાકૃતિક અને પરંપરાગત કૃષિ તરફ વાળવા સહિત તૃણ ધાન્યોથી થતા ફાયદાઓ અને આંતરરાષ્ટ્રીય બજારમાં મિલેટ્સની વધી રહેલી માગ વિશે જાગૃત કર્યા હતાં. શ્રીમતી ડો.દેશમુખે ખેડૂતમિત્રો સાથે ગ્રામજનોને બદલાતી આબોહવાની પરિસ્થિતિઓમાં તૃણ ધાન્ય પાકોમાં રહેલા પોષકતત્વો અને તેના સેવનથી થતા લાભો વિશે જાગૃત કર્યા હતા.
આ કૃષિ મેળામાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીમસિંહજી તડવી, જિલ્લા-તાલુકાના જનપ્રતિનિધિઓ, સંબંધિત વિભાગોના અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા

