નવસારી: પર્યાવરણ થી માંડીને સ્વાસ્થ્ય માટે હાનિકારક એવાઔદ્યોગિક એકમો માંથી છેલ્લા ઘણા સમયથી અવાવરૂ સ્થળો કે પછી ખાડી નાળામાં ઝેરી કેમિકલનો નિકાલ કરવામાં આવતો હોય છે એવા કેમિકલના નિકાલની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા માફીયાઓ દ્વારા ખારેલ રાનકુવા રોડ પર કેમિકલ ફેકતાં તેમના વિરુદ્ધ ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે.

Decision News ને મળેલી જાણકારી મુજબ નવસારી થી ખારેલ રાનકુવા ને જોડતા રસ્તાની સાઈડમાં અજાણ્યાં વાહન ચાલક દ્વારા માનવી, પશુ, પક્ષી, ઝરણાં, નદી અને જંગલ માટે હાનિકારક ઝેરી કેમિકલનો નિકાલ કરવામાં આવતાં ભારે વિવાદ સર્જાવા પામ્યો છે. રસ્તાની સાઈડમાં ઘાસમાં ઠેર ઠેર ઝેરી કેમિકલ નાખવામાં આવેલું છે. આ ઝેરી કેમિકલના પગલે નજીકનું ઘાસ અને જમીન પણ બળીને ખાખ થઈ ગઈ છે. વાતાવણમાં ભળતાં દુર્ગંધથી સ્થાનિક લોકો હેરાન પરેશાન થતાં જોવા મળી રહ્યા છે. સ્થળ પર તપાસ કરતાં અંદાજે 100 લિટરથી વધુ ઝેરી કેમિકલ ઠાલવવામાં આવ્યું હોય તેમ જણાઈ આવે છે.

રાનકુવા થી ખારેલ ને સાંકળતા રસ્તાની બાજુમાં કયાંક 10 લીટર તો કોઈક જગ્યાએ 20 લીટર કેમિકલ ઠાલવેલું હોય તેમ લાગી રહ્યું છે. ખારેલ થી રાનકુવા સુધી ઘણી જગ્યાએ આ કેમિકલ રસ્તાની આજુબાજુમાં જોવા મળી રહ્યું છે. સ્થાનિક નિવાસીઓ કુદરતની દેન એવ નદીમાં નાહવા માટે, કપડાં ધોવા માટે તથા પશુઓને પાણી પીવડાવવા માટે લઈ જતાં હોય છે. તેમજ માર્ગની સાઈડે પશુઓ ચરવા માટે પણ આવતા હોય છે. જેમાં કોઈ અબોલ પ્રાણી તથા પક્ષીઓ જો નજીકનો ચારો અથવા પાણી પીવે તો ગંભીર રોગચાળો ફાટવાની દહેસત ઉભી થઈ છે. આ ઘટનાને પગલે નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ સહિત પોલીસ વિભાગ સ્થળ પર જઈ તપાસ હાથ ધરે તેવી લોક માંગ ઉઠવા પામી છે.