રાજપીપલા: ભારત સરકારના નીતિ આયોગ દ્વારા નક્કી કરાયેલા એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ કાર્યક્રમ અંતર્ગત આકાંક્ષી તાલુકાઓના વિકાસને વેગવાન બનાવવા માટે વિશેષ ભાર મૂકાઈ રહ્યો છે, ત્યારે નર્મદા જિલ્લાના એસ્પિરેશનલ બ્લોક નાંદોદના ગાડીત ગૃપ ગ્રામપંચાયતના ગાગર ગામે આજે સંકલ્પ સપ્તાહ નિમિત્તે “કૃષિ મહોત્સવ”ની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે દેડિયાપાડાના કૃષિ વૈજ્ઞાનિક શ્રીમતી ડો. મિનાક્ષીબેને જણાવ્યું કે, જળ, જમીન, પર્યાવરણના સ્વાસ્થ્ય સાથે માનવસમાજનું સ્વાસ્થ્ય સંકળાયેલું છે. જમીનની ગુણવત્તા અને લોકોની તંદુરસ્તી માટે પ્રાકૃતિક ખેતી આજના સમયની માગ છે, જેમાં યુવાપેઢીની સહભાગીદારી અતિ મહત્વપૂર્ણ છે. પરંપરાગત ખેતી, મિલેટ્સ ધાન્ય પાકના ઉત્પાદન સહિત દૈનિક આહારમાં મિલેટ્સનો ઉપયોગ તંદુરસ્ત સમાજના નિર્માણ માટે ખુબ જરૂરી છે.
સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વર્ષ-૨૦૨૩ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે, નર્મદા જિલ્લા આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા મિલેટ્સ ધાન્યોને લોકોના આહારની આદત બનાવવા માટે જાગૃત કરવામાં આવી રહ્યાં છે. ત્યારે આજરોજ આયોજિત કાર્યક્રમમાં મિલેટ્સમાંથી બનાવેલી વિવિધ વાનગીઓનું આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા પ્રદર્શન મૂકવામાં આવ્યું હતું. જેમાં મિલેટ્સ જેવા કે બાજરી, જુવાર, કાંગ, નાગલી, મોરૈયોમાંથી બનેલી અનેકવિધ પોષણક્ષણ અને પૌષ્ટિક વાનગીઓ પ્રસ્તુત કરી તેના ગુણો વિશે ગ્રામજનોને માહિતગાર કર્યા હતા. સાથે બહેનોએ મિલેટ્સમાંથી વિવિધ વાનગીઓ બનાવવાની રીત અંગે પણ સૌને વાકેફ કર્યા હતા.
મદદનીશ બાગાયત નિયામકશ્રી જીગરભાઈ અને નાંદોદના સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી સુશ્રી મોસમબેન પટેલે પણ વિભાગ દ્વારા ચાલતી વિવિધ લોકકલ્યાણની યોજનાકીય માહિતીથી ગ્રામજનોને વાકેફ કરી તેનો બહોળા પ્રમાણમાં લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં કૃષિ યાંત્રિકીકરણ, મિલેટ્સ, પ્રાકૃતિક કૃષિ, પશુપાલન અને ફાર્મ ટુ ટેબલ ફુડ ફેસ્ટીવલ સહિતના સ્ટોલ્સ થકી ગ્રામજનોને વિવિધ વિભાગના યોજનાકીય લાભો વિશે વિસ્તૃત સમજણ પુરી પાડવામાં આવી હતી. ઉપરાંત બાગાયત વિભાગ દ્વારા “અર્બન હોર્ટિકલ્ચર” ઓર્ગેનિક ખાતર, કોકોપીટ, કુંડા અને શાકભાજીના છોડનું પણ ગામના લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સરપંચશ્રી હસમુખભાઈ વસાવા, નાંદોદ તાલુકા પંચાયત ન્યાય સમિતિના અધ્યક્ષશ્રી અમૃતભાઈ વસાવા, વિસ્તરણ અધિકારીશ્રી કમલેશભાઈ વસાવા, મદદનીશ ખેતી નિયામકશ્રી કેતનભાઈ ઠક્કર, વહિવટી તંત્રના અધિકારીશ્રી-કર્મયોગીઓ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.