ડાંગ: ગતરોજ સાપુતારા આંતરરાજ્ય ધોરીમાર્ગ ઉપર માલેગામ ઘાટમાર્ગમાં રેસ્ટ હાઉસના યુ-ટર્ન પાસેથી ટેમ્પો સંરક્ષણ દિવાલ સાથે અથડાઇ ખીણમાં પડતા ટેમ્પાનું કચ્ચરઘાણ નીકળી ગયું હતું અને ટેમ્પો ચાલક ઘટના સ્થળે જ મોતને ભેટ્યો હતો.
DECISION NEWS ને પ્રાપ્ત થયેલી વિગત અનુસાર સાપુતારા માલેગામ ઘાટમાર્ગમાં ટેમ્પો ચાલક 26 વર્ષીય રાકેશ ગીરીશભાઈ માછી અને ક્લીનર સુજલ ભરતભાઈ માછી સાથે ટેમ્પો GJ-18 -X-9882 માં AHCL ઓક્સિજનના ખાલી સિલિન્ડર ભરી મહારાષ્ટ્રના સોલાપુરથી ગુરુવારે વડોદરા જવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન ગુરુવારે રાત્રે 12:45 કલાકે તેઓ સાપુતારા ઘાટમાર્ગમાં માલેગામ રેસ્ટ હાઉસના યુટર્ન પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે ટેમ્પો સંરક્ષણ દિવાલ સાથે અથડાઇ ખીણમાં ખબક્યો હતો અને ચાલક રાકેશભાઈ માછીનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.
આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા ક્લીનરને 108 ની મદદથી સારવાર માટે આહવા સિવિલમાં ખસેડાયો હતો. આ ધટનાની સાપુતારા પોલીસને જાણ થતા જ ધટના સ્થળે આવી અકસ્માતનો ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

