ડાંગ: આહવા તાલુકાના જામલાપાડા ગામ વિસ્તારમાં બે ત્રણ દિવસ પૂર્વે ગોવાળિયા પર હુમલો કરનાર દીપડો આખરે પાંજરે પુરાયો હતો.

DECISION NEWS ને પ્રાપ્ત થયેલી વિગત અનુસાર ડાંગ વન વિભાગમાં જામલાપાડા ગામ વિસ્તારમાં થોડા દિવસ પૂર્વે દીપડાએ આંતક મચાવ્યો હતો. બે ત્રણ દિવસ પૂર્વે ડાંગ જિલ્લાનાં જામલાપાડાના આવળિયામાળ ગામ નજીક ઢોર ચરાવી રહેલા ગોવાળિયા પર દીપડાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ગોવાળિયાને ગંભીર ઈજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો.

દીપડાનાં હુમલાને લઈને આહવા પશ્ચિમ રેંજનાં આર.એફ.ઓ વિનયભાઈ પવારની ટીમે દીપડાને પકડવા ઠેર ઠેર પાંજરા ગોઠવ્યા હતા. ગુરૂવારે મળસ્કે આ દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો. હાલમાં વન વિભાગનાં પશ્ચિમ રેંજ દ્વારા પાંજરે પુરાયેલ દીપડાને જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરાઇ છે.