ડાંગ: આદિવાસી ગ્રામિણ વિસ્તારોમાં દીપડાઓના હુમલાઓની ઘટના સામે આવી આવી રહી છે ત્યારે ગતરોજ આહવા તાલુકાના ગુંજપેડા ગામે વહેલી સવારે લઘુશંકા કરવા ગયેલા ઇસમ પર દીપડાએ હુમલો કરતા ગંભીર ઇજાગ્રસ્ત ઇસમને આહવા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

Decision News ને મળેલી વિગતો મુજબ ડાંગ જિલ્લાના આહવા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ગુંજપેડા ગામે રહેતા 50 વર્ષીય મહેશભાઈ સોમાભાઈ પવાર ગુરુવારે મળસ્કે ઘરની બહાર લઘુશંકા કરવા ગયા હતો તે દરમિયાન શિકારની શોધમાં આવેલ દીપડાએ અચાનક હુમલો કરી દેતા મહેશભાઇએ બુમાબુમ કરી દેતા દીપડો જંગલમાં નાસી ગયો હતો.

દીપડાના હુમલાથી મહેશભાઈ પવારને માથા અને ખભાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. આ બનાવ બાદ ગામમાં બીજા કોઈ વ્યક્તિ દીપડાના હુમલાનો શિકાર ન બને એ માટે વન વિભાગે દીપડાને પાંજરે પુરવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.