વાંસદા: ગતરોજ વન વિભાગની ટીમે કિલાદ નજીકથી ગેરકાયદેસર સાગી લાકડા ભરેલી પીકઅપ ઝડપી પાડી 4.16 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. વઘઇથી વાંસદા તરફ જતા મુખ્ય માર્ગ પરથી ગેરકાયદેસર સાગી લાકડાની તસ્કરી થવાની બાતમી દક્ષિણ ડાંગ વન વિભાગના ડીએફઓ રવિપ્રસાદને મળી હતી.
DECISION NEWS ને પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર વાંસદા નેશનલ પાર્ક રેન્જના આરએફઓ ગણેશ ભોયે સહિત વનકર્મીઓની ટીમે કિલાદ નાકાથી વઘઇ વાંસદા મુખ્ય માર્ગ પર રાત્રિ દરમિયાન ચેકિંગ હાથ ધર્યું હતું. મળસ્કે 4.30 વાગ્યાના અરસામાં વઘઇ વાંસદા મુખ્ય માર્ગ તરફથી શંકાસ્પદ પીકઅપ વાન પસાર થતા તેને વનકર્મીઓએ રોકવાની કોશિશ કરતા વનકર્મીઓને જોઈને ગભરાયેલા ચાલકે ભાગી જતા તાત્કાલિક ધોરણે આરએફઓ ગણેશ ભોયેએ વનકર્મીઓની બીજી ટુકડીને જાણ કરી હતી. જેને પગલે વનકર્મીઓએ મુખ્ય માર્ગ પર પથ્થર મૂકીને પીકઅપ વાનને ફિલ્મી ઢબે નવતાડ નજીક મુખ્ય માર્ગ પરથી ઝડપી પાડી હતી.
જ્યારે વનકર્મીઓએ પીકઅપ વાનની તલાશી લેતા ગેરકાયદે 17 નંગ, ઘ.મી. 3.164ના સાગી ચોરસા રૂ. 1,16,110 મળી આવ્યા હતા. વનકર્મીઓએ સાગી ચોરસા સહિત પીકઅપ રૂ. 2.50 લાખ મળી રૂ. 4,16,110નો મુદ્દામાલ જપ્ત કરી ચાલકને ઝડપી લેવાના વન વિભાગે ચક્રો ગતિમાન કર્યા છે.

