ગરુડેશ્વર: ગતરોજ ગરુડેશ્વર તાલુકાના મોટાભાગના વિસ્તારોમાં સરદાર સરોવરમાંથી છોડાયેલા પાણીના વહેણ ફરી વળ્યા હતા ત્યારે નર્મદા પરના ગરુડેશ્વર નજીક અક્તેશ્વરનો જુનો બ્રિજ પરનો વાહનવ્યવહાર બંધ નવા બ્રિજ પર ડાયવર્ટ કરવા અંગેનું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું બહાર પડ્યું છે.

Decision News ને મળેલી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં આવેલા રાજપીપળા-દેવલીયા નેશનલ હાઈવે પરના જુના નર્મદા બ્રિજના એપ્રોચમાં નુકશાન થયું હોવાથી સલામતીના ભાગરૂપે આ બ્રિજ વાહનવ્યવહાર માટે બંધ કરી જુના બ્રિજ પરનો વાહનવ્યવહાર ડાબી બાજુના નવા બ્રિજ પર ડાયવર્ટ કરવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ સી.એ.ગાંધીએ જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે.

આ જાહેરનામાની અમલવારી તા.17 સપ્ટેમ્બર 23 થી 16 ઓકટોબર 23 સુધી કરવાની રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી પોલીસ સબ ઈન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીઓને અધિકૃત કર્યા છે.