આહવા: દક્ષિણ ગુજરાતના વન વિભાગમાં વર્ષો સુધી વન જતન અને સંવર્ધનની કામગીરી કરી, સેવા નિવૃત્ત થયેલા વન અધિકારીઓએ ડાંગના વઘઈ સ્થિત કિલાદ કેમ્પ સાઇટ ખાતે ‘પોલ્યુશન ના સોલ્યુશન‘ બાબતે સામુહિક ચિંતન કર્યું હતું.

Decision News ને મળેલી માહિતી મુજબ વઘઈ સ્થિત કિલાદ કેમ્પ સાઇટ ખાતે એકત્ર થયેલા દક્ષિણ ગુજરાતના નિવૃત્ત વન અધિકારીઓએ અનોખી વન ચેતના જગાવી હતી. આ ગૃપ દ્વારા વખતોવખત ભેગા મળી વન ચેતનાની જ્યોત ઝળહળતી રાખવામાં આવી રહી છે. વન ચેતના જગાવતા વિવિધ કાર્યક્રમો, સંવાદ અને પરિસંવાદ સાથે સ્નેહ મિલન યોજતા દક્ષિણ ગુજરાતના જુદા જુદા સ્થળોએ એકત્ર થતા આ પર્યાવરણ પ્રેમીઓ આ વખતે કિલાદ ખાતે એકત્ર થયા હતા.

સાંપ્રત સમયની સમસ્યા એવા ‘પોલ્યુશન ના સોલ્યુશન‘ અંગે ચિંતન કરતા આ અધિકારીઓએ પોતાના અંગત અભિપ્રાયો અને વિચારોનુ આદાન પ્રદાન કરી, તેના નિરાકરણની દિશામાં કાર્યવાહી આરંભી હતી. પર્યાવરણ જાગૃતિ અર્થે પ્રયત્નરત આ સેવા નિવૃત્ત વન અધિકારીઓમાં સર્વશ્રી પી.એસ.વળવી, નાનસિંગ ચૌધરી, કે.બી.પટેલ, આર.એલ.પટેલ વગેરે ઉપસ્થિતિ રહ્યા હતા