બોટાદ: ગતરોજ સાળંગપુરમાં ભીંતચિત્રોમાં હનુમાનજીને સ્વામિનારાયણ ભગવાનના દાસ દેખાડાતાં આ સમગ્ર વિવાદ સર્જાયો છે. આ ભીંતચિત્રોને હટાવી લેવા સાધુ-સંતોએ પણ અપીલ કરી હતી. એવામાં કોઈ હનુમાનભક્ત દ્વારા લાગણી દુભાતાં વિવાદાસ્પદ ભીંતચિત્રો પર કાળો કલર લગાવ્યો હતો. એ ઘટનાને લઈને મંદિર પ્રશાસન દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
આ ભીંતચિત્રો વિવાદ મામલે મંદિરના તમામ મુખ્ય ગેટ બંધ કરવામાં આવ્યા છે. વહેલી સવારથી ગેટ બંધ કરાતા ભક્તો હેરાન પરેશાન થઈ રહ્યાં છે. દુર દુરથી આવેલા ભક્તોએ રોષ સાથે કહ્યું કેવિવાદ જે હોય તે પરંતુ અમે દાદાના દર્શન કરવા આવ્યા છીએ. હનુમાનજી મહારાજ કોઈના દાસ નથી તે રામના દાસ છે. તાત્કાલિક આ ભીંતચિત્રો હટાવવા જોઈએ અને ભક્તોને દર્શન માટે જવા દેવા જોઈએ તેવી માગ કરી હતી.
DECISION NEWS ને જાણકારી મળેલ મુજબ સાળંગપુર મંદિરના વિવાદને લઈને ગઢડાના BAPS અને ગોપીનાથજી દેવ એમ બંને સ્વામિનારાયણ મંદિરોમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સાળંગપુર હનુમાનજી મંદિરે ભીંતચિત્રો પર કાળો કલર મારવાના મામલે ત્રણ શખ્સો વિરુદ્ધ સેથળી ગામના ભુપત સાદુળભાઈ ખાચરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. હર્ષદ ગઢવી, જેસિંગ ભરવાડ અને બળદેવ ભરવાડ વિરૂદ્ધ મોડીરાત્રે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ત્રણેય શખ્સો કાર્યવાહી કરી હાથ ધરી છે.

