વ્યારા: આદિવાસી લોકોના આરોગ્ય સાથે જોડાયેલી રેફરલ હોસ્પિટલ વ્યારાનું સરકારશ્રીએ 11-08-2023 ના ઠરાવ મુજબ તાપી જિલ્લામાં મંજૂર થયેલ મેડીકલ કોલેજ ખાનગી કંપનીને બનાવવા તેમજ સંચાલન આપી દેવામાં આવનાર છે ત્યારે સરકારના આ પગલાં થી અનેક સવાલો લોકોના મોં પર આવી ગયા છે જેમ કે..
દેશના સમૃદ્ધ રાજ્ય ગુજરાતમાં રાજ્ય સરકાર પોતે મેડિકલ કોલેજ પોતે નિર્માણ પણ કરી શકે એમ છે તથા તેને ચલાવી પણ શકે છે. તો કેમ રેફરલ હોસ્પિટલ વ્યારાને ખાનગી કંપનીને સોંપવાની ફરજ પડી ? વ્યારાના તર્ક ઈન્ડીજીનિયસ નામથી ઓળખાતા યુવાનએ સોશ્યલ મીડિયામાં પોસ્ટ મૂકી સવાલો ઉભા કર્યા છે કે હોસ્પિટલમાં અત્યાધુનિક સુવિધાઓ દ્વારા દર્દીઓની મફતમાં સારવાર કરવામાં આવશે એવા કરાર થયા છે પણ અત્યાર સુધી ભુજની સરકારી હોસ્પિટલ તથા દાહોદની સરકારી હોસ્પિટલ સરકારશ્રીએ ખાનગી કંપનીને સોંપ્યા પછી ત્યાંના દર્દીઓની જે સ્થિતિ છે, તે પરિસ્થિતિનું રૂબરૂ જઈને ચકાસણી કરીએ તો વાસ્તવિકતા ખબર પડશે.
જો સરકાર પાસે હોસ્પિટલ ચલાવવા માટે કે મેડિકલ કોલેજ બનાવીને તેને નિભાવવા માટે પૈસા ન હોય તો રાજ્યના મોટા શહેરોમાં આવેલી સરકારી હોસ્પિટલ કે જેમાં આપણા જિલ્લાની સરકારી હોસ્પિટલ કરતાં અનેક ગણો ખર્ચ થાય છે તો તે હોસ્પિટલો અને મેડિકલ કોલેજ શા માટે ખાનગી કંપનીને નથી સોપતું ? ગુજરાત સરકાર તાપી જિલ્લાની સરકારી હોસ્પિટલ તેમજ મેડિકલ કોલેજ દવા બનાવતી ખાનગી કંપનીને સોંપી રહી છે તો શું આ દવા બનાવતી કંપનીઓ આપણા આદિવાસીઓ પર જાત જાતના અખતરાઓ કરવા માંગે છે ? આ દવા બનાવતી કંપનીને મેડિકલ કોલેજ અને સરકારી હોસ્પિટલ ચલાવવામાં શા માટે રસ જાગ્યો છે ?
દક્ષિણ ગુજરાતમાં લોકોને વિસ્થાપિત કરીને ડેમ બનાવીને પાણી લઈ જાય છે, રેતી અને કપચી લઈ જાય છે, માટી અને મજૂર લઈ જાય છે. આટલું ઓછું હોય તેમ પોતાના આનંદ માટે રજાઓ ગાળવા માટે આપણા પ્રદેશના જંગલોને પિકનિક પોઈન્ટ બનાવી દીધેલ છે. તો શું હવે દવા બનાવતી કંપનીઓને અખતરાઓ કરવા માટે દર્દીઓની જરૂર પડી એટલે આપણો પ્રદેશ સૌને યાદ આવે છે ? આપણી સરકાર જ્યારે ચંદ્રયાન બનાવીને ચંદ્ર ઉપર પહોંચી શકતી હોય, તો શું મેડિકલ કોલેજ તથા સરકારી હોસ્પિટલ પણ ન ચલાવી શકે ? દરેક જગ્યાએ સરકારશ્રીની જાહેરાતોમાં ‘સંવેદનશીલ સરકાર’ એવું વાક્ય લખવામાં આવે છે. તો શું સંવેદના ફક્ત જાહેરાતો પૂરતી જ છે ?

