નવસારી: લોકડાયરાના ચલણી નોટનો વરસાદ થવો સામાન્ય વાત છે પણ નવસારીમાં સાંઈ મંદિરના લોકડાયરામાં ખાખી વરદીમાં સજ્જ PSI પર બૂટલેગરે ચલણી નોટનો વરસાદ કરતાં લોકો આશ્ચર્યમાં મુકાયા હતા. ત્યારે આવો… જાણીએ કે PSI પર ચલણી નોટનો વરસાદ કરનાર બૂટલેગર કોણ છે અને આ વીડિયો વાઈરલ થયા બાદ PSI શું કહી રહ્યા છે.
Decision News ને મળેલી માહિતી મુજબ લોકડાયરામાં પહેલાં નવસારીમાં ફરજ બજાવી ચૂકેલા અને હાલ સુરતમાં PSI તરીકે ફરજ બજાવતા એસ.એફ. ગોસ્વામીને આમંત્રણ અપાયું હતું અને તેઓ ડાયરામાં હાજર રહ્યા હતા. PSI જ્યારે સ્ટેજ પર આવ્યા ત્યારે અન્ય લોકોની સાથે બૂટલેગર દીપક ઉર્ફે કાલેબાબા પણ ત્યાં પહોંચ્યો હતો અને PSI પર મોજથી ચલણી નોટનો વરસાદ કરવા લાગ્યો હતો. લોકડાયરામાં ‘તેરે જૈસા યાર કહા…’ ગીતની ધૂન વાગતાં જ કલાકારોની સાથે ઉપસ્થિત લોકો પણ મોજમાં આવી ગયા હતા. આ સમયે કાલેબાબા ચલણી નોટના ખોબા ભરીને PSI પર વરસાદ કરવા લાગ્યો હતો. આ સમયે અન્ય એક બૂટલેગર પણ ત્યાં હાજર જોવા મળ્યો હતો.
આ સમગ્ર ઘટના વિષે PSI કહ્યું કે.. આ ડાયરામાં હું હાજર રહ્યો હતો, પરંતુ મારા પર પૈસાનો વરસાદ કરનાર કોણ છે તેને હું ઓળખતો નથી. તે મારા પર પૈસાનો વરસાદ કરી રહ્યો હતો એની મને જાણ હતી, પરંતુ, હું તેને વ્યક્તિગત ઓળખતો નથી. મંદિરના આયોજકોએ મને ડાયરામાં આમંત્રણ આપ્યું હતું, જેથી હું ત્યાં હાજર રહ્યો હતો.

