વલસાડ: ગત રોજ વલસાડના અબ્રામા ખાતે રહેતા અને ગાંધીનગરની કર્ણાવટી યુનિવર્સિટીમાં બી.ટેક.નો અભ્યાસ કરતા વિદ્યાર્થી દર્શ શ્રીકાંત કનોજીયા અને ટીમ દ્વારા ‘‘લો કોસ્ટ લાઈબ્રેરી મેનેજમેન્ટ’’ વિષય પર તૈયાર કરાયેલુ રીસર્ચ પેપર આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રકાશિત થયુ છે. જે કામગીરીને યુનિવર્સિટી દ્વારા બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.
વલસાડના વિદ્યાર્થી દર્શ કનોજીયા અને ટીમના સાથી સભ્યો હાર્દિક ચૌહાણ, સત્યમ શિવમ, દેવેશ ખૈતાન અને અમાન મલેકે માનીવેલ કંડાસમ્ય અને રાજુ શાન્મુગમના માર્ગદર્શન હેઠળ આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. નજીવા ખર્ચે લાઈબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ વિષય પર નવતર અભિગમ અપનાવી તેઓએ કરેલુ રીસર્ચ વર્ક ઈન્ટરનેશનલ જર્નલ ફોર રીસર્ચ ઈન એપ્લાઈડ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ ટેક્નોલોજીના જુલાઈ ૨૦૨૩ના અંકમાં પ્રકાશિત થયુ છે. જે બાબતને કર્ણાવતી યુનિવર્સિટીના અધ્યાપકોએ એક મોટી સિદ્ધિ ગણાવી તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના કાર્યને બિરદાવવામાં આવ્યું હતું. આ રીસર્ચ વર્કને ગુગલ દ્વારા પણ પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ મહત્વપૂર્ણ કાર્યમાં વલસાડના વિદ્યાર્થીનું યોગદાન નોંધનીય રહ્યું હતું.
DICISION NEWS ને આ અંગે વલસાડના વિદ્યાર્થી દર્શ કનોજિયાએ જણાવ્યું કે, પુસ્તકના રેકોર્ડની જાળવણી વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ખૂબ જ ઉપયોગી છે. વિવિધ કામગીરીનું કોમ્પ્યુટરાઇઝેશન કરવાથી કામગીરીની પ્રક્રિયા ઝડપી અને સરળ બને છે. ટેક્નોલોજી આધારિત શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નવા પુસ્તકોનો ઉમેરો અને વપરાશકર્તાના રેકોર્ડ અપડેટ રાખવુ જરૂરી છે. પુસ્તકાલયની કામગીરીનું સંચાલન કરવા માટે વેબ આધારિત આ સિસ્ટમ બનાવી છે. જેનો ઉપયોગ લાઇબ્રેરીમાં થતી એન્ટ્રીઓને સંગ્રહિત કરવા અને જાળવવા, પુસ્તકોના રેકોર્ડ સ્ટોર કરવા, નવા પુસ્તકોનો રેકોર્ડ રાખવા અને પુસ્તકો પરત કરવા માટે પણ થાય છે. તેનાથી ગ્રંથપાલોનું કામ ઓછું થાય છે અને સમયની પણ બચત થાય છે.

            
		








