વલસાડ: એસટી નિગમે ૧૦ વર્ષ બાદ ૨૫ ટકા ભાડા વધારો લાગુ કર્યો ત્યારે સરકાર દ્વારા નિગમને કેટલાક સૂચનોનો અમલ કરવા તાકીદ કરાઈ હતી જેમાં સ્વચ્છતા ઝુંબેશને પ્રાથમિકતા આપવા જણાવતા વલસાડ એસ.ટી વિભાગના કાર્યક્ષેત્ર હેઠળના તમામ ડેપો અને સ્ટેન્ડ પર મુસાફર જનતાની સુખાકારી સાથે સવલતો અને સ્વચ્છતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા વિશેષ ‘સ્વચ્છતા અભિયાન’ હાથ ધરાયું છે,

DECISION NEWS ને મળેળ માહિતી મુજબ જાહેર જનતાની ચહલપહલથી વ્યસ્ત દરેક બસ સ્ટેશનની પ્રિમાઈસીસ, મુસાફરો માટેની બેઠક વ્યવસ્થા, જાહેર શૌચાલય અને પરબ વગેરેની સ્વચ્છતા માટે વલસાડ એસટી વિભાગના વિભાગીય નિયામક એન.એસ.પટેલ દ્વારા તમામ શાખા અધિકારીઓ, ડેપો મેનેજરોને ગુગલ મીટના માધ્યમથી યોજાયેલી ઓનલાઇન મીટિંગમાં વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવા માર્ગદર્શન અપાયું હતું, જેને લઈ દરેક જગ્યાએ ખાસ સફાઈ ઝુંબેશ યોજવામાં આવી હતી. બસ ડેપો, તાબા હેઠળના કંટ્રોલ પોઈન્ટ-સ્ટેન્ડ ખાતે પણ ફરજ બજાવતા ટ્રાફિક સુપરવાઇઝર, ટી.સી., તેમજ ડ્રાઇવર/કંડક્ટર જેવા કર્મયોગીઓ દ્વારા સફાઇ અને સ્વચ્છતા ઝુંબેશનો શ્રમયજ્ઞ’ હાથ ધરાયો હતો. સૌની સહભાગીદારીતાથી યોજાયેલા આ વિશેષ સફાઈ અભિયાનમાં સ્વયં ડેપો મેનેજર સહિત વહીવટી કર્મચારીગણ સુપરવાયઝરી સ્ટાફ, મિકેનિક, ડ્રાઇવર, કંડક્ટર વગેરે દ્વારા સંયુકત રીતે સફાઈ ઝુંબેશ હાથ ઘરી, સ્વચ્છતાના ધોરણમાં નોંધપાત્ર સુધારો થાય, અને જાહેર પ્રવાી જનતાને સ્વચ્છ ડેપો પરિસર, સ્વચ્છ જાહેર શૌચાલય-પરબની વ્યવસ્થા પૂરી પાડી શકાય તે સુનિશ્ચિત કરાતા શ્રમદાન યજ્ઞ દ્વારા બસ સર્ક્યુલેશન એરીયા, મુસાફર બેઠક વ્યવસ્થા. પંખા, દીવાલો, પિલરો તથા છતની સફાઈ સાથે શૌચલાયની સાફસફાઈ. ડ્રાઈવર કંડકટરના રેસ્ટરૂમ, લેડીસ રેસ્ટરૂમ તેમજ કંટ્રોલ કેબીન સહિત તમામ કચેરીઓની પણ યુદ્ધના ધોરણે સફાઈ કરાતા વલસાડ વિભાગના ધરમપુર, વાપી, આહવા, બીલીમોરા, નવસારી અને વલસાડ ડેપો ઉડીને આંખે વળગે એવી સફાઈ ડેપો મેનેજરોની દેખરેખમાં કરવામાં આવી હતી.

આ સફાઇ ઝુંબેશ જળવાઇ રહે તે માટે ડેપો મેનેજર દ્વારા વિશેષ નજર રાખી ડેપોમાં સફાઈ વ્યવસ્થા બાબતે સતત સતર્કતા જાળવવા અનુરોધ કરવામાં આવ્યો છે. મુસાફરો પણ સ્વચ્છતા જાળવવામાં સહભાગીદાર બને એ જરૂરી છે, ડેપો પર ગંદકી ન ફેલાય, કચરો ગમે ત્યાં ન ફેંકવાને બદલે યોગ્ય જગ્યાએ નિકાલ કરે, શૌચાલયમાં પણ સ્વચ્છતા જળવાઈ રહે તો બસ ડેપો અને સ્ટેન્ડને સ્વચ્છ રહી શકે છે. જેથી મુસાફરોને પણ સહકાર આપવા વિભાગીય નિયામક એન. એસ. પટેલે અપીલ કરી છે.