વલસાડ: વલસાડ જિલ્લામાં 77 મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી આવનાર છે ત્યારે વલસાડની ભૂમિના આંગણે આ રાષ્ટ્રીય પર્વમાં ભાગીદાર બનવા વલસાડ કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ વલસાડના નાગરિકોને અપીલ કરી છે. કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, વલસાડ માટે આનંદ અને ગૌરવનો અવસર છે. રાષ્ટ્રીય મહામુલા પર્વમાં ભાગીદાર થવાનો આ પર્વ છે.
વાપીના બલીઠા ખાતે મહામહિમ રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં વલસાડની ગૌરવગાથાને ઉજાગર કરતો ‘ધન્ય ધરા વલસાડી’ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જ્યારે ધમડાચી એ.પી.એમ.સી. માર્કેટ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ સાથે દેશભક્તિની ભાવનાને ઉજાગર કરાશે. કલેકટરશ્રીએ તિરંગાને સલામી આપવા સૌને ઉપસ્થિત રહેવા અને ‘મેરી મીટ્ટી મેરા દેશ’ તેમજ ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં પણ સહભાગી બનવા અનુરોધ કર્યો છે.
રાજયકક્ષા સ્વાતંત્ર્ય પર્વ ઊજવણી અવસરે કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. કાર્યક્રમ સુપેરે પાર પડે તે હેતુસર બનાવાયેલી વિવિધ સમિતિઓ દ્વારા તેમને સોંપાયેલી તમામ કામગીરીઓ પૂર્ણતા આરે છે. જિલ્લાની સરકારી ઇમારતોને પણ રોશનીથી શણગારી દેવામાં આવી છે. શહેરના માર્ગો અને જાહેર સ્થળો ઉપર સફાઇ અને રંગરોગાનની કામગીરી પણ કરવામાં આવી રહી છે. વલસાડના નાગરિકોમાં પણ આ પર્વને લઇને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

