નાનાપોંઢા: વલસાડ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ આરોગ્ય શાખા દ્વારા બિન અધિકૃત રીતે પ્રેકટીસ કરતા બોગસ ડોકટરોને ઝડપી પાડવા અભિયાન હાથ ધરાયું છે. જે અંતર્ગત જિલ્લાનાં કંટ્રોલ રૂમ ખાતે એક જાગૃત નાગરિક દ્વારા બોગસ ડોકટર અંગે માહિતી મળતા તા. ૦૩/૦૮/૨૦૨૩ નાં રોજ કપરાડા તાલુકાનાં સુખાલા પ્રા.આ.કેન્દ્ર વિસ્તારનાં નાનાપોંઢાની મુન્નાભાઈ પકડાયો છે.

Decision News ને મળેલી જાણકારી પ્રમાણે નાનાપોંઢા વાપી રોડ પર મસ્જીદની બાજુમાં લીમડા પાસે પુષ્પ મંજુળા નામે ક્લિનિક ચલાવી સારવાર આપનાર ૫૧ વર્ષીય બોગસ ડોકટર જિતેન્દ્ર રામકૃષ્ણરાવ સુળકે (મુળ રહે.નાગપુર માનેવાડા રોડ શ્રીહરિનગર -૨ પ્લોટ નં. ૫૧ ની સામે)ને ત્યાં તાલુકા હેલ્થ ઓફિસર અને પ્રા.આ. કેન્દ્ર- સુખાલાની ટીમ તથા પોલિસની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. ક્લિનિક ચલાવનાર બોગસ ડોકટર પાસે કોઇ પણ સરકાર માન્ય ડિગ્રી કે માન્ય દસ્તાવેજ મળી ન આવતા તેમના વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

ધી ગુજરાત મેડીકલ પ્રેકટીશનર 1963 ની કલમ 30,૩૦, ૩૫ તથા ઇ.પી.કો.-૨૬૯, ૩૩૬ હેઠળ તથા ધી ઇન્ડીયન મેડીકલ કાઉન્સીલ એકટનાં સેકશન ૧૫, ઇ.પી.કો. ની કલમ ૪૨૦, ૪૬૭, ૪૬૮ અને ૪૭૧ હેઠળ બિન અધિકૃત રીતે પ્રેકટીસ કરતાં બોગસ ડોકટર વિરૂધ્ધ કાર્યવાહી કરી શકાય છે. માનવ જીવનના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી માનવ જિંદગી જોખમાય, ગેરકાયદેસર રીતે તબીબી પ્રેકટીસ કરવીએ કાયદાકીય રીતે ગુનો બને છે. ભવિષ્યમાં આવા બોગસ ડોકટર અંગેની માહિતી ઇ-મેલ દ્વારા, ટેલિફોનિક સંદેશો મળ્યેથી જિલ્લા વિકાસ અધિકારીશ્રી વલસાડનાં માર્ગદર્શન હેઠળ આરોગ્ય શાખા આવા બોગસ ડૉકટરો સામે કાર્યવાહી કરવા તત્પર છે. ગુજરાત રાજયમાં અધિકૃત રીતે ડૉકટરની પ્રેકટીસ કરવા માટે ગુજરાત રાજય મેડિકલ કાઉન્સીલનું રજીસ્ટ્રેશન હોવું ફરજીયાત છે. જિલ્લા પંચાયત તંત્ર આવા બોગસ ડોકટરો સામે નિયમોનુસાર પગલાં લેવાં તૈયાર છે.

આપના વિસ્તારમાં બોગસ ડોકટર પ્રેકટીસ કરતાં જણાઇ તો જિલ્લાનાં કંટ્રોલ રૂમ નં. 02632-253381 ખાતે સંપર્ક કરી માહિતી આપવા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે.