નવસારી: બે દિવસ પહેલાં રવિવારે જોખમી રીતે સ્ટંટ સીન વાહન હંકારતી એક મહિલાનો વિડિયો વહેતો થયો હતો. ચાલુ બાઈક ઉપર સ્ટંટ કરતી મહિલાને ટ્રાફિક પોલીસે 24 કલાકમાં શોધી કાઢી હતી. નવસારીના ઈંટાળવા રોડથી દાંડી તરફના માર્ગ પર ગત 28 જુલાઈના રોજ એક મહિલા બાઈક ઉપર સ્ટંટ કરતી જોવા મળી હતી.

આ મહિલાનો કોઈ કારચાલકે વીડિયો બનાવ્યો હતો અને તે જ દિવસે સોશિયલ મીડિયામાં વહેતો થતાં ટ્રાફિક પોલીસ હરકતમાં આવી ગઈ હતી. હાલમાં અકસ્માતો થતા ટ્રાફિકના નિયમોના ભંગ કરનારા સામે સ્પેશિયલ ડ્રાઈવ પણ પોલીસે ચાલુ કરી છે. આ ડ્રાઈવ દરમિયાન જ આ મહિલાનો સ્ટંટ વાળો વીડિયો વહેતો થતાં પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે તપાસ હાથ ધરી હતી. આ સીસીટીવી ફૂટેજમાં બાઈક (નં. જીજે – 15 – ઓ 3662) દેખાતા પોલીસે તેને આધારે બાઈકના માલિકને શોધતા તે કબીલપોર વિસ્તારની હોવાનું માલુમ પડતાં પોલીસે ટ્રાફિક નિયમોના ભંગ બદલ તેમની અટક કરી હતી.

નેત્રમ સીસીટીવી ના આધારે ગુનો ઉકેલાયો ટ્રાફિક પોલીસના પીએસઆઈ ડૉ. જાગૃત જોષીએ કમાન્ડ એન્ડ કન્ટ્રોલની મદદથી સીસીટીવી ફૂટેજ મેળવી અ.હે.કો. જીજ્ઞેશભાઈ જીવરાજભાઈ, વુ.પો.કો. અંકિતાબેન રસિકભાઈ, વુ.પો.કો. પૂજાબેન રાજારામની ટીમ બનાવી જરૂરી માર્ગદર્શન આપી શોધખોળ કરતાં સ્ટંટ કરતી મહિલા 24 કલાકમાં અટક કરવામાં આવી હતી.