નવસારી: અમદાવાદના એસજી હાઈવે પર તથ્ય પટેલે સર્જેલા અકસ્માતમાં 9 લોકોના જીવ ગયા હોવાની ઘટના બાદ પણ વાહનચાલકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. નવસારી શહેરમાં એક યુવતિનો મોપેડ પર જોખમી રીતે સ્ટંટ કરતો વીડિયો વાઈરલ થતાં પોલીસે યુવતીની શોધખોળ હાથ ધરી છે. વાઈરલ વીડિયોમાં યુવતી મોપેડ પર સવાર થઈ ડાન્સ કરતી જોવા મળી રહી છે.
જુઓ વિડિઓ…
પોતાના અને અન્યના જીવને જોખમમાં મુકી સ્ટંટ કર્યા. સોશિયલ મીડિયામાં મોપેડ પર સ્ટંટનો જે વીડિયો વાઈરલ થયો છે તે નવસારીના ઈટાળવા છાપરા રોડ પરનો છે. અહીં એક યુવતી હાથ છુટા મૂકીને મોપેડ ચલાવતી જોવા મળી રહી છે. મોપેડ ચલાવીને સ્ટંટ કરતી યુવતીએ પોતાનો અને રસ્તા પર ચાલતા અન્ય વાહનચાલકોનો જીવ પણ જોખમમાં મૂક્યો હતો. કારચાલકે વીડિયો બનાવી વાઈરલ કર્યો. મોપેડ સવાર યુવતી તેની મોજમાં સ્ટંટ કરી રહી હતી પરંતુ તેના આ જોખમી સ્ટંટ નો વીડિયો પાછળથી આવી રહેલા એક કારચાલકે બનાવી વાઈરલ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો છે. રસ્તા પર યુવતીના સ્ટંટ જોઈને અન્ય વાહનચાલકો પણ આશ્ચર્યમાં મુકાતા જોવા મળી રહ્યા છે.
પોલીસે સ્ટંટ કરનારી યુવતીની શોધખોળ હાથ ધરી. નવસારી ટ્રાફિક પી.એસ.આઈ જગૃત જોશીએ જણાવ્યું હતું કે, તેમની પાસે આ વાઈરલ વીડિયો આવ્યો છે અને પોલીસ દ્વારા યુવતીની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસે કહ્યું હતું કે, આ વીડિયો શૂટ કરનાર કારચાલક મળી આવે તો તારીખની જાણ થશે અને તેના આધારે સીસીટીવી ચકાસવામાં આવશે. આવિસ્તારમાં સીસીટીવી લગાવ્યા નથી પરંતુ યુવતી આગળ અન્ય રોડ પરથી પસાર થતી નજરે પડે તો તેના વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે.

