કપરાડા: સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા સ્વામી વિવેકાનંદ વન અભિયાન અંતર્ગત કપરાડા તાલુકામાં પ્રકૃતિના આભનું ઓઢણું ઓઢી વસેલું અને હિલ સ્ટેશન તરીકે વિકસિત થઈ રહેલ કોલવેરા ગામના ડુંગર પર વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.
Decision News ને મળેલી માહિતી મુજબ કપરાડાનું કોલવેરા ગામ વલસાડના અનેક વિસ્તારોની જીવાદોરી સમાન કોલક નદીનું ઉદગમ સ્થાન છે. કોલવેરા ડુંગર અનેક પ્રાચીન માન્યતાઓ સાથે જોડાયેલો અત્યંત રમણીય, નયનરમ્ય પહાડી નજારાઓથી ભરપુર છે. અને વર્તમાનમાં કોલવેરા હિલ સ્ટેશન તરીકે નવું વિકાસ પામતું પર્યટન સ્થળ બની રહ્યું છે ત્યારે આજરોજ કપરાડા તાલુકા, વલસાડ જિલ્લા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ – ગુજરાત સરકાર દ્વારા આયોજિત સ્વામી વિવેકાનંદ વન કાર્યક્રમ અંતર્ગત 200 થી વધુ વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે યુવા બોર્ડ ઝોન સંયોજક હર્ષિતભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ ગુલાબભાઈ રાઉત, જિલ્લા સંયોજક કિરણભાઈ ભોયા, જિલ્લા યુવા મોરચા મહામંત્રી પ્રભાકર યાદવ, જિલ્લા પંચાયત સદસ્ય મિનાક્ષીબેન ગગોડા, કપરાડા તાલુકાના યુવા બોર્ડ તાલુકા સંયોજકો દેવચંદભાઈ, નારાયણ ભાઈ સહિત કપરાડા તાલુકાના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

