કપરાડા: એકાદ મહિના પહેલા કપરાડા તાલુકામાં આવેલા HPના હરિ ઓમ બાવન પેટ્રોલ પમ્પમાં કામ કરતા  કર્મચારીએ તેના સાળાને આપેલા રૂ.34 હજાર પરત આવે તેમ ન હોવાથી લૂંટનું નાટક રચ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.

સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ કપરાડામાં આવેલા HPના હરિ ઓમ બાવન પેટ્રોલ પમ્પ ઉપર ફરજ બજાવતા કર્મચારીને બંધક બનાવી લૂંટ ચલાવી ગયા હોવાની ફરિયાદ પેટ્રોલ પમ્પના કામદારે જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમની ટીમને કરતા જિલ્લામાં પોલીસની ટીમે અલગ અલગ વિસ્તારોમાં નાકાબંધી હાથ ધરી હતી. જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો SOG અને LCB તેમજ જિલ્લાના પોલીસ અધિકારીઓએ સ્થળ મુલાકાત લઈને ફરિયાદી અને અન્ય કર્મચારીઓની પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી. જે દરમ્યાન પેટ્રોલ પમ્પમાં ફરજ બજાવતો કર્મચારી ગણેશ રમણભાઈ વરઠાએ તેમના સાળા પિન્ટુ ઇસરામ વાઢુને પેટ્રોલ પમ્પના હિસાબમાંથી રૂ. 34 હજાર આપ્યા હતા. જે પરત આવે તેમ ન હોવાથી પેટ્રોલ પમ્પ ઉપર લૂંટનું ખોટું નાટક કરી લૂંટ થઈ હોવાનું જણાવી જિલ્લા પોલીસની ટીમને દોડતી કરી દીધી હતી. વલસાડ પોલીસની અલગ અલગ ટીમોની પૂછપરછ બાદ સમગ્ર હકીકત સામે આવી હતી.

ફરિયાદીની વધુ પૂછપરછ કરતા ફરિયાદી કપરાડા તાલુકાના દિક્ષલ ખાતે આવેલા તેજસ પેટ્રોલ પમ્પની તાજેતરમાં થેયેલી લૂંટ જોતા ડમી લૂંટ નું કાવતરું ઘડ્યું હોવાનું સામે આવ્યું હતું. હવે પોલીસે ખોટી ફરિયાદ કરનાર કર્મચારી વિરુદ્ધ કડક પગલા ભરશે એ નક્કી છે.