વલસાડ: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને બાઇસેગના માધ્યમથી વંદે ગુજરાત ચેનલ ઉપર પ્રાકૃતિક કૃષિ વિષય પર પરિસંવાદ યોજાયો હતો. જેમાં વલસાડ જિલ્લાના શિક્ષકો, ખેડૂતો તેમજ યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
રાજ્યપાલશ્રીએ રાજ્યભરના ખેડૂતો, શિક્ષકો, ખેડૂત ટ્રેનર અને આત્માના અધિકારીઓને પ્રાકૃતિક કૃષિ બાબતે જરૂરી માર્ગદર્શન આપતા જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી અપનાવાથી રેલ કે દુકાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે નહી. રાસાયણિક ખાતરના ઉપયોગના કારણે જમીનમાં સૂક્ષ્મ જીવાણુ અને અળસિયાનું અસ્તિત્વ રહ્યું નથી. જમીન બંજર બની રહી છે. સાથે સાથે ઘરે ઘરે બિમારીઓનું પ્રમાણ પણ વધી રહ્યું છે. જમીનમાં ભૂગર્ભ જળસ્તર પણ ઘટી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી કરવાથી આપણુ સ્વાસ્થ્ય તો સારુ રહેશે જ સાથે ખેડૂતની આવક વધશે અને ઉત્પાદન ખર્ચ ઘટશે તેમજ જમીન ફળદ્રુપ બનશે અને પર્યાવરણનું સંતુલન પણ જળવાયેલુ રહેશે. પ્રાકૃતિક ખેતીમાં બહારથી કંઈ લાવવાની જરૂર નથી. માત્ર એક દેશી ગાય અને ગોળ તેમજ બેસનથી જ સમૃધ્ધ પ્રાકૃતિક ખેતી કરી શકાય છે. આપણી આવનારી પેઢી માટે આશીર્વાદરૂપે પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઈએ. ઈમાનદારીથી આ મિશનને લક્ષ્ય બનાવી આગળ વધવાનું છે. ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે દેશી ગાય માટે અપાતી સહાય સહિત અન્ય યોજનાઓનો રાજ્યપાલશ્રીએ ઉલ્લેખ કરી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે ઉપયોગી સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા આહવાન કર્યું હતું.
રાજ્યપાલશ્રીએ શિક્ષકોને ખાસ સંબોધતા ઉમેર્યું હતું કે, શિક્ષકો પરિવર્તન લાવી શકે છે. પ્રાકૃતિક ખેતીનો ફેલાવો કરી શિક્ષકો અને ખેડૂતો પોતાના ગામ માટે પ્રેરણાસ્ત્રોત બનશે. જે માટે ગામમાં તાલીમનું આયોજન કરવા અનુરોધ કર્યો હતો. તેમણે દેશી ગાયનું ગૌમૂત્ર ખનીજોનો ભંડાર છે એમ જણાવી પ્રાકૃતિક ખેતી અંગેનાં તેમના પુસ્તકનું અધ્યયન કરવા જણાવ્યું હતું. પ્રાકૃતિક ખેતીની પેદાશો લોકો સુધી પહોંચે તે માટે માર્કેટની વ્યવસ્થા અંગે રાજ્યપાલશ્રીએ કહ્યું કે, તમામ જિલ્લાના કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓની મીટિંગ કરી અઠવાડીયામાં બે દિવસ ગુરૂવાર અને રવિવારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પોતાની ખેત પેદાશ વેચી શકે તે માટે માર્કેટની વ્યવસ્થા કરવા જણાવ્યું છે.
વલસાડ જિલ્લાના 470 ગામડામાં 17350 પ્રગતિશીલ ખેડૂતો, શિક્ષકો ભાઇ-બહેનો, જિલ્લા અને તાલુકા કક્ષાના ગ્રામસેવકો, વિસ્તરણ અધિકારીઓ, ખેતી તથા બાગાયત વિભાગના કર્મચારીઓ તથા અધિકારીઓએ જિલ્લા કક્ષાએ, સીઆરસી-બીઆરસી સેન્ટર ખાતે, પ્રાથમિક શાળા અને ગ્રામ પંચાયતોમાં યુટયૂબ, ફેસબુક અને અન્ય માધ્યમોથી જીવંત પ્રસારણ નિહાળી પરિસંવાદમાં જોડાયા હતા અને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.