ચીખલી: થોડા દિવસ પહેલાં જ ચીખલી તાલુકાના ફડવેલ ગામની એક યુવતી સહિત ચાર યુવાનોની દેશના સૈન્યમાં પસંદગી થતાં ગામમાં ગૌરવ સાથે આનંદની લાગણી ફેલાઈ છે. ગામમાં જ યુનિટી ગ્રુપ બનાવી તેમાં 35 જેટલા યુવક યુવતીઓ જોડાઈ દર રવિવારે વાઘાબારી ડુંગર પર તેમજ દરરોજ સવારે ગામના તળાવની પાળે અને જાતે પોતે દોડવા માટે ગ્રાઉન્ડ બનાવી પ્રેક્ટીસ કરી રહ્યા છે.
Decision News ને મળેલી માહિતી મુજબ હાલ જ્યારે CISF, SRP, BSF અને SSB માં દેશના અલગ અલગ રાજ્યમાં ટ્રેનિંગ મેળવી રહ્યા છે. ફડવેલ ગામના યુવાનોએ અનોખી મિસાલ ઉભી કરી છે. જાત મહેનત જિંદાબાદ ના સૂત્રને અપનાવી સખત મહેનત અને પરિશ્રમ હોય ત્યારે સફળ કારકિર્દી માટે આર્થિક કારણ નથી આવતું તે પણ સાર્થક કરીને બતાવ્યું છે. ચીખલી તાલુકાના ફડવેલ ગામના સેવાભાવી યુવાનો દ્વારા બે વર્ષ પૂર્વે યુનિટી ગ્રુપ બનાવાયું હતું. જેમાં ગામના 35 જેટલા યુવક યુવતીઓ જોડાયા હતા. દેશની સેવામાં જોડાવાના અને રોજગારીના મક્કમ નિર્ધાર સાથે યુનિટી ગ્રુપના નેજા હેઠળ આ યુવક યુવતીઓ દર રવિવારે વાઘાબારી ગામે ડુંગર પર જઈને પ્રેક્ટીસ શરૂ કરી હતી. બાદમાં ગામના બેડીયા તળાવની પાળે પણ દરરોજ સવારે દોડવાની પ્રેક્ટીસ કરતા હતા ત્યાબાદ આ ગ્રુપ દ્વારા જાતે પોતે મહેનત કરી દોડવા માટે એક ગ્રાઉન્ડ તૈયાર કરી દરરોજ સવારે 5:30 વાગ્યે ભેગા થઈ સાત વાગ્યા સુધી પ્રેક્ટીસ ચાલુ રાખતા હતા. આ ગ્રાઉન્ડ પર શાળામાંથી બ્લેક બોર્ડ લાવી લેખિત પ્રેક્ટીસ પણ આ બોર્ડ પર આરંભી હતી. તેમનો રૂટિન અભ્યાસને નુકસાન નહીં થાય તે રીતે સખત પરિશ્રમ કરી “મન હોય તો માળવે જવાય” ના સૂત્રને સાર્થક કરવામાં યુવાનો સફળ રહ્યા છે.
ફડવેલ ગામના યુવાનો ગામમાં જ શારીરિક કસરત સાથે થીયરીના રીડિંગ માટે સુરખાય ધોડિયા સમાજની વાડીમાં પણ જઈ રહ્યા છે. આ યુવાનોને ગામના પૂર્વ સરપંચ હરીશભાઈ, તાલુકા પંચાયત શાસક પક્ષના નેતા મહેશભાઈ સહિતના આગેવાનો મદદરૂપ પણ થઈ રહ્યા છે. ફડવેલ ગામના આંબાબારીની દીકરી નિતલ મુકેશભાઈ પટેલ હાલ CISF માં તમિલનાડુમાં, ગોડાઉન ફળિયાનો દિગેશ રામાભાઈ પટેલ BSF માં આસામના ગુવાહાટીમાં, સગાભાઈ પૈકી તરુણ પ્રવીણભાઈ પટેલ સીમા સુરક્ષા બલ( SSB) માં ઉત્તરપ્રદેશમાં ગોરખપુરમાં તાલીમ લઈ રહ્યા હતા .

